ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં 4 ઈંચથી લઈ 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત હોય લોકો અને તંત્રની ચિંતા વધી છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જામનગર શહેરમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય લોકોની હાલત કફોડી બની છે. જામનગર નજીક વસઈ ગામ પાસે પૂરમાં બે લોકો સહિત કાર ફસાતા જામનગર પોલીસ અને સ્થાનિકોએ બે લોકોને ક્રેન, દોરડા અને ટ્યુબની મદદથી રેસ્ક્યૂ કર્યા હતા.
જામનગર જિલ્લામાં મંગળવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જામનગર-ખંભાળીયા હાઈવે પર વસઈ અને બેડ ગામ પાસે નદીના પાણી ફરી વળ્યા હતા અને ખંભાળીયા તરફનો હાઈવે બંધ થયો હતો. મંગળવારે વસઈથી દ્વારકા તરફ જતા હાઈવે પર પૂરના ધસમસતા પાણીમાં સ્વીફ્ટ કાર સાથે બે લોકો ફસાઈ જતા જામનગર એલસીબીના પીઆઈ અને સ્ટાફ સહિત સ્થાનિક લોકોએ ક્રેન, દોરડા અને ટ્યુબની મદદથી બે લોકોને બચવા લીધા હતા.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15 ઈંચ વરસાદ
જામનગર શહેરમાં મંગળવાર સવારથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત છે. શહેરમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે.
રાજ્યમાં સિઝનનો 105 ટકા વરસાદ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસી રહેલા વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યામાં સિઝનનો 105 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 250 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 18ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 39 તાલુકાઓમાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
વડોદરા પાસે પાણી ભરાતા રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો
(1) 28.08.24 ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ
(2) 27.08.24 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
(3) 28.08.24 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
(4) 28.08.24 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
27.08.2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ રીતે આ ટ્રેનને અમદાવાદ-બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો
(1) 27.08.2024 ની ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને વાયા વસઈ રોડ-ભેસ્તાન-પાલધી-ખંડવા-સંત હિરદારામ નગર- રતલામ-ગોધરા-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.
(2) 27.08.2024 ની ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને વાયા ગોધરા-વડોદરા-ગેરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.