ભાજપના નેતા અને લોકગાયક વિજય સુવાળા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં ઓઢવ પોલીસે આખરે ધરપકડ કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. થોડાક દિવસ અગાઉ જમીન દલાલે ભાજપ નેતા વિજય સુવાળા અને 40થી વધુ શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જમીનના વિવાદમાં ભાજપના નેતા વિજય સુવાળાએ દિનેશ દેસાઇ નામની વ્યક્તિ સાથે મારામારી કરી હતી. સાથે જ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ મામલો બીચકતાં આ મામલે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરી લેવાઈ હતી. અમદાવાદની ઓઢવ પોલીસે મારામારીના કેસમાં આ ધરપકડ કરી હતી. અગાઉ આ મામલે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ પણ ફટકારી હતી.