બંગાળના ખાડીનું લો પ્રેશરની અસર બનાસકાંઠામાં નહિંવત જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદની જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે અંબાજી સહિતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા પ્રથમ વખત બનાસ નદી બે કાંઠે વહેંતી જોવા મળી છે. વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટને પગલે તમામ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશો જારી કરાયા છે, નદી કાંઠા અને તળાવ કિનારે કોઈને ન જવા દેવા ખાસ કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી છે. તાલુકો કક્ષાએ તમામ તરવૈયાઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સુચના આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી ઓછો વરસાદ થરાદમાં માત્ર 9 મીમી નોંધાયો છે. જ્યારે સૌથી વધુ દાંતામાં 3 ઇંચ થયો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે બ.કાં.ના અમીરગઢ તાલુકાના બે અને ડીસા તાલુકાનો એક મળી ત્રણ રસ્તાઓ વરસાદી પાણીના લીધે બંધ કરાયા હતા. જેમાં અમીરગઢ તાલુકાના ખારા જાદરા વચ્ચેનો રસ્તો અને ડેરી વાવધારા વચ્ચેનો રસ્તો પાણી ઓસરતા આ બંને રસ્તા શરૂ કરવામાં આવ્યા છે જ્યારે ટેટોડા ભાચરવાનો રસ્તો નાળુ ધોવાઈ જવાના લીધે હજુ બંધ છે. આ ઉપરાંત વડગામ- દિયોદર સવા બે ઇંચ, પાલનપુર અને સુઈગામમાં 2-2 ઇંચ જ્યારે અન્ય તાલુકાઓમાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં એક તરફ નદીઓ ગાંડીતૂર બની છે, ડેમના દરવાજા ખોલી દેવામાં આવી રહ્યા છે ત્યાં હજુ બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન સરહદ ને જોડતા તાલુકાઓમાં અપૂરતા વરસાદના લીધે દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. દાંતીવાડામાં આખી ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી ચાર ફૂટ પાણી આવ્યું જેમાં સૌથી વધુ બાલારામ નદી દ્વારા પાણી આવ્યું છે. જ્યારે મુક્તેશ્વર અને સીપુ ડેમ હજુ પાણી ઝંખી રહ્યા છે.