રાજ્યભરના વિવિધ ભાગોમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં પ્રચલિત રાજકોટનો સાતમ-આઠમનો મેળો પાણીમાં ગરકાવ થયો છે. એમ છતાં હજુ પણ સૌરાષ્ટ્ર ઉપરથી વરસાદી આફત સમી નથી. હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અન્ય 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં 251થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ રાજકોટમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. તે સિવાય કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ, લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ, ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ યથાવત્ છે. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો 11 ટકા જેટલો વરસાદ ખાબકી જતા રાજ્યમાં ચાલુ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદને કારણે 3 દિવસમાં 15નાં મોત નીપજ્યા. 23 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી જ્યારે વરસાદ અને પૂરની સ્થિતિમાં ફસાયેલા 318 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા.