ગુજરાતમાં પાછલા પાંચ જ દિવસ પડેલા અતિભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. રાજ્યના મોટા ભાગના રસ્તાઓ ઉપર પહેલાથી જ મસમોટા ખાડાઓ તો હતા જ પરંતુ હવે વરસાદના કારણે રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. લોકલ રસ્તાઓની તો વાત છોડો પરંતુ અહીં તો નેશનલ હાઇવે-સ્ટેટ હાઇવે પણ બિસ્માર થઇ ચૂક્યા છે. આણંદ પાસે તો ખાડા એટલા મોટા થઇ ગયા છે કે મોટી-મોટી ટ્રકો ઉંધા માથે થઇ ગઈ છે.
આ ખાડાઓ પહેલાથી જ રસ્તાઓ ઉપર પડેલા હતા પરંતુ હવે વરસાદે તે ખાડાઓને એક નવો જ આકાર આપી દીધો છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે. તો બીજી તરફ અકસ્માત માટે કારણભૂત બની ચૂકેલા બિસ્માર રસ્તાઓ થકી સરકાર ગુજરાતમાંથી એક વર્ષમાં ટોલ પેટે રૂપિયા 4800 કરોડથી વધુની આવક થઈ છે.
નાણાકીય વર્ષ 2023-24માં જે રાજ્યને ટોલથી સૌથી વધુ આવક થઈ હોય તેમાં ઉત્તર પ્રદેશ રૂપિયા 6995 કરોડ સાથે મોખરે, રાજસ્થાન રૂપિયા 5885 કરોડ સાથે બીજા, મહારાષ્ટ્ર રૂપિયા 5352 કરોડ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતના હાઈવેમાં ટોલથી દરરોજ સરેરાશ રૂપિયા 13 કરોડથી વધુની આવક થાય છે. ટોલ પેટે વાહનચાલકોએ આટલી રકમ આપતા હોવા છતાં તેમને સામે કમર તોડી નાખે તેવા રોડ, પાપડ જેવા નાજૂક પૂલ મળે છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચોર-લૂંટારુ પણ અંધારામાં ચોરી કરતા હોય છે. પરંતુ ગુજરાતના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ધોળે દિવસે લૂંટ ચલાવે છે. રાજકોટમાં ગોંડલથી પહેલા 3 કિલોમીટરનો આ ખખડધજ રસ્તો કાપવામાં 1 કલાકનો સમય થઇ જતો હોવા છતાં તેના પણ ટોલ ચૂકવવો પડી રહ્યો છે.’ ગોંડલનો આ નેશનલ હાઇવે તો આ એકમાત્ર ઉદાહરણ છે.
અમદાવાદના મોટાભાગના નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ કથળેલી હતી અને વરસાદથી જાણે આ પ્રકારના રોડમાં આગમાં ઘી હોમાયું છે. લોકોનો એવો રોષ છે કે આ પ્રકારના રોડથી મુસાફરી કર્યા બાદ કમરદર્દના દર્દી ચોક્કસ બની જવાય. એટલું જ નહીં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને આ રોડમાં મુસાફરી કરાવવી ખૂબ જ જોખમી પુરવાર થઇ શકે છે. હકીકતમાં આ પ્રકારના રોડ માટે સરકારે કોઈ પ્રકારનો ટોલ જ વસૂલવો જોઈએ નહીં.