કોંગ્રેસ આકરા પાણીએ; કહ્યું- HM-CM શરમ કરો શરમ… વડોદરાવાસીઓને 2500 રૂપિયાની ભીખ આપો છે કે શું?

કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે… ભાજપ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો… શરમ કરોના… નારા લગાવ્યા હતા. તો ક્લેક્ટરને આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ત્યારે મેદાનમાં આવી છે, જ્યારે પીડિતોને 2500 રૂપિયા વળતર આપવાની વાત કરવામાં આવી છે. એક તરફ વડોદરાવાસીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છે, તો બીજી તરફ બીજેપી સરકાર તરફથી 2500 રૂપિયા વળતર આપવામાં આવી રહ્યું છે.

તેથી આજે એટલે કે 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. તો ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

શહેર કોંગ્રેસપ્રમુખ ઋત્વિજ જોષી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. શું તમે 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. તમામ થયેલાં નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઈટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો.