બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડેલા દારૂના જથ્થાનો નાશ કરી દીધો છે. પાછલા બે વર્ષમાં પાલનપુર તાલુકા પોલીસે શાનદાર કામગીરી કરીને એક કરોડ રૂપિયાથી વધારેનો દારૂ અને બિયર પકડી પાડવામાં આવી હતી. હવે તે દારૂના જથ્થાને પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટની આગેવાનીમાં 61,572 જેટલી દારૂની બોટલો ઉપર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિતની અધિકારી હાજર રહ્યા હતા.
જણાવી દઇએ કે, વિસ્તારની દ્રષ્ટિએ ખુબ જ વિશાળતા ધરાવતો બનાસકાંઠા જિલ્લામાં દારૂનું દૂષણ રોકવા માટે પોલીસ સજાગ રીતે કામ કરી રહી છે. જો કે, તે છતાં પણ પાલનપુરમાં દારૂ ગુસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે, પરંતુ બીજી તરફ પોલીસ પણ પાછીપાની કરી રહી નથી. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સાથે મોટા પ્રમાણમાં બહોળી બોર્ડર શેર કરે છે, તેવામાં તે જિલ્લામાં દારૂ ગુસાડવું સરળ છે.
જો કે પાલનપુર તાલુકા પોલીસની સક્રિય ભૂમિકાના કારણે બે વર્ષ દરમિયાન એક કરોડ રૂપિયાનું દારૂ પકડવામાં સફળતા મળી હતી. બે વર્ષ દરમિયાન પકડાયેલા 61576 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1 કરોડ 13 લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં GCB અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ દારૂના નાશ દરમિયાન પાલનપુર પ્રાંત અધિકારી , ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ, પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ,તેમજ પોલીસ સ્ટાફ હજાર રહ્યો હતો.