વરસાદનો વરતારો: ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે 23 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આ ઓગસ્ટ મહિનામાં ભારતમાં સામાન્ય કરતા 16 ટકા વધુ વરસાદ પડયો હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાં 253.9 મિમી વરસાદ પડયો હતો. જે વર્ષ 2001 બાદ ઓગસ્ટ મહિનાનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે.
જોકે કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પણ નોંધાયો છે. ઓગસ્ટમાં દેશનું સરેરાશ લઘુતમ તાપમાન 24.29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે 1901 બાદ સૌથી વધુ માનવામાં આવે છે. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ પહેલા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે ઓગસ્ટમાં વરસાદ સામાન્ય એટલે કે 94થી 106 ટકાની વચ્ચે રહેશે. જોકે 15 ટકા વધુ વરસાદ પડયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં 284.1 મીમી વરસાદ પડયો છે જે સામાન્ય રીતે 248.1 મીમી રહેતો હોય છે. એક જૂનથી ચોમાસાની શરૂઆત બાદ ભારતમાં અત્યાર સુધીમાં 749 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે 701 મિમી વરસાદ પડતો હોય છે.
દરમિયાન રાજધાની દિલ્હીમાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડયો હતો. ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં વર્ષ 2010 બાદ સૌથી વધુ વરસાદ પડયો હતો. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ સ્થિત વેધશાળાએ ઓગસ્ટમાં શુક્રવારે સાંજ સુધીમાં 390.3 મિલીમીટર વરસાદ નોંધ્યો હતો. જે ઓગસ્ટ 2012માં નોંધાયેલા 378.8 મિમી વરસાદ કરતા વધુ છે.
આ પહેલા વર્ષ 2010માં સૌથી વધુ 455.1 મિમી વરસાદ નોંધાયો હતો. દેશમાં વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં અનેક લોકો માર્યા ગયા છે. આંધ્ર પ્રદેશમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં વધુ સાત લોકો માર્યા ગયા હતા. જેમાં વિજયવાડામાં ભુસ્ખલનને કારણે માર્યા ગયેલા ચાર લોકોનો પણ સમાવેશ થાય છે.
જ્યારે હિમાચલ પ્રદેશમાં 27 જૂન બાદ એટલે કે છેલ્લા બે મહિનામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 150ને પાર પહોંચી ગઇ છે. રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશને આ દરમિયાન 1265 કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. જ્યારે મંડીમાં 12, કાંગ્રામાં 10, કુલ્લુમાં નવ, શિમલામાં પાંચ મળી રાજ્યમાં કુલ 72 રોડને બંધ કરવા પડયા છે.
રાજ્યમાં ભુસ્ખલન અને પૂરને કારણે ટ્રાફિકની સ્થિતિ સર્જાઇ છે. હજુ આ સપ્ટેમ્બર મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરના હિમાચલ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. તેવી જ રીતે ઓડિશામાં પણ ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેટલાક વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.