ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ તો પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, વહેલી સવારની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા વહેલી સવારની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહત્ત્વનું છે કે, ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાતા શહેરીજનો શેકાયા હતા. ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફરાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે.