બનાસકાંઠા: ભાજપીયાઓ 12 લાખ રૂપિયાનું ઝાપટી ગયા’ને બિલ પકડાવ્યું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને

અંબાજી: ‘51 શક્તિપીઠ મહોત્સવ’ ના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવવો પડ્યો છે. અસલમાં બનાસકાંઠા કલેક્ટર-સરકારે જે બિલના પૈસાની ચૂકવણી કરવાની હતી, તે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ચૂકવવી પડી છે. 200 દીવસ પછી ય સરકારે રૂ 11.33 લાખ અંબાજી ટ્રસ્ટને ચૂકવ્યાં ન હોવાથી આ મામલે કોંગ્રેસે નક્કી કર્યુ છે કે, ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં નાગરિકો પાસેથી કોંગ્રેસી કાર્યકરો દાન પેટે પૈસા ઉઘરાવીને ટ્રસ્ટમાં જમા કરાવશે.

મુખ્યમંત્રી, મંત્રી 11 લાખ રૂપિયાનું ઝાપટી ગયા અને બીલ અંબાજી દેવસ્થાનને પકડાવી દીધું

ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે 51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રી,ધારાસભ્યોના જમણવાર કરી સરભરા પાછળ રૂ. 11,33,924 ચૂકવાયા છે જે મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ, ભાજપના સત્તાધીશો મંદિરના પૈસે જયાફત કરે છે, લાખો રૂપિયા સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજીને રાજભોગ પણ ધરાવવામાં આવતો નથી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી દાન આપી રહ્યા છે, પરંતુ દાનનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે.

માતાજીનો રાજભોગ થાળ પણ કરાવ્યો બંધ

વર્ષોથી માતાજીનો થતો થાળ કોરોનાના બહાને બંધ કરીને હજું સુધી ચાલું કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ ટ્રસ્ટના પૈસાથી રાજકીય નેતાઓ પોતાના કામ કાઢી રહ્યા છે. જણાવી દઇએ કે, 16 માર્ચ 2024 ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ તે સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હોવા છતાં નાયબ ચૂંટણી અધિકારીએે ચૂંટણી પંચના લેટરપેડ પર જમણવારનો ઓર્ડર આપ્યો હતો. હવે તેમણે કોના કહેવાથી તે ઓર્ડર આપ્યો હતો તે તપાસનો વિષય છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના પ્રતિનિધીમંડળે અંબાજી મંદિરના વહીવટદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

મહોત્સવ મનાવે સરકાર તો પછી ચૂંટણી પંચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને કેવી રીતે બિલ મોકલી શકે? જો મોકલ્યુ હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ કેવી રીતે મંજૂર કરી શકે? શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય અન્ય 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. કોરોના અગાઉ આ શક્તિ મંદિરોમાં માતાજીને ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ મહામારીના બહાને રાજભોગ થાળ બંધ કરી દેવાયો હતો જે હજુ સુધી શરૂ કરાયો નથી.

માતાજીનો શણગાર પણ કરાવવામાં દુ:ખે છે પેટમાં

શ્રદ્ધાળુંઓ દ્વારા કરોડો રૂપિયા માતાજીના નામે દાન કરવામાં આવે છે. પરંતુ હવે તો 51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી. કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી, સિંગ, સાકર ધરાવવા નક્કી કર્યુ હતું. હવે જયારે સ્થિતી સામાન્ય બની છે ત્યારે પણ થાળ/રાજભોગ શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી.

ભાજપ સરકારમાં જનતાનો મરો

ભાજપની સરકારમાં જનતા મોંઘવારી-બેરોજગારીના ચક્કરમાં પિસાઇ રહી છે, તો બીજી તરફ સરકાર પોતાની એજન્સીઓ દ્વારા જનતાને બે હાથે લૂંટી રહી છે. શહેરોમાં નગરપાલિકાથી લઈને પોલીસ જેવી એજન્સીઓ દ્વારા જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ અધિકારીઓને પ્રતિદિવસ વિવિધ રીતના કેસ બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે, જેમ કે હેલ્મેટ વગર, રોંગ સાઇડ કેસ, લાઇસન્સ સહિતના વિવિધ કેસોમાં લોકોને દંડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે. જણાવી દઇએ કે, હાલમાં ગુજરાત પોલીસને બે મહિનાનો અભિયાન હેઠળ એક મસમોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે થકી સરકારની તિજોરી ભરવામાં આવે છે.

તો બીજી તરફ નિર્મલા સિતારમણ પાસે અનેક ટેક્સ નાંખ્યા પછી પણ નગરપાલિકા, ગામ પંચાયતો અને મહાનગરપાલિકાઓ પોતાના અલગ જ નિયમ બનાવીને બેસ્યા છે. જેઓ જનતાને ચાર હાથે ખંખેરી રહ્યા છે. ગુજરાતભરમાં પ્રોપર્ટી વેચાણ અને ખરીદ ઉપર એક અથવા બે ટકા ટ્રાન્સફર ફિ વસૂલવાનું શરૂ કર્યું છે. સરકારના અનેક ટેક્સ ભર્યા પછી પણ નગરપાલિકાઓ અને ગામ પંચાયતો પોતાના વિકાસ માટે અલગથી લોકો પાસેથી વસૂલાત કરવી કેટલી યોગ્ય છે? સરકાર દરેક ગામ અને શહેરોને ગ્રાન્ટ આપતી જ હોય છે તો પછી આવા ખોટા નિયમો સામે કેમ લાલ આંખ કરી રહી નથી. કેમ કે અંતે તો પૈસા સરકારની તિજોરીમાં જ જતાં હોય છે, તેથી પોતાની નવી આવક ઉભી કરવાના નામે ખોટી રીતે લોકો પાસેથી પૈસાની વસૂલી કરવામાં આવી રહી છે.

બીજેપીના પાછલા 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદ્દે વધી ગયું છે કે,તેનો કોઈ માપ જ નથી. જનતાને ચારે તરફથી લૂંટવામાં આવી રહી છે. સત્તાધીશો હિન્દુઓના હિતની વાત કરીને હિન્દૂઓને લૂંટવામાં કોઇ જ કસર છોડી રહ્યા નથી.