સાત દિવસ ભારે વરસાદની આગાહી; જાણો હવામાન વિભાગે ક્યાં જિલ્લાઓને કર્યાં એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
ગુજરાત રાજ્યમાં હાલમાં ચાર સિસ્ટમ સક્રિય છે. જેમાં ગઈકાલ સુધી જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ સક્રિય હતો, તે આજે નિષ્ક્રિય થયો છે. તેમ છતાં આજે ગુજરાત ઉપર ચાર સિસ્ટમનો ખતરો રહેશે. જેમાં રાજ્યના 20 ડિગ્રી ઉત્તરમાં શિયર ઝોન સક્રિય છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગઈકાલ સુધી જે ડિપ્રેશન વિદર્ભના ભાગમાં હતું, તે હાલમાં લો પ્રેસર બનીને વિદર્ભના પશ્ચિમ ભાગે સક્રિય છે, જેને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે. તેની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.

આ સાથે અમદાવાદ શહેરમાં પણ આજે છુટાછવાયાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે. જોકે, આજે વહેલી સવાર સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, તેમ છતાં બપોર સુધીમાં તાપમાન અને ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનોને બફરાનો અનુભવ થઈ રહ્યો છે, જે સાંજ સુધી યથાવત્ રહેશે. સાંજ પછી શહેરમાં ઠંડા પવનો સાથે હળવો વરસાદ વરસી શકે છે.