ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર; બનાસકાંઠા-મહેસાણામાં વહેલી સવારથી મેઘમહેર

Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મોડીરાત્રે વરસાદ ચાલુ થતાં અવિરત ચાલુ જોવા મળ્યો હતો. જેને પગલે ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પાલનપુરમાં બે ઇંચથી વધારે વરસાદ વહેંલી સવારે ખાબક્યો હોવાની શક્યતા દેખાઇ રહી છે.

પાટણના સાંતલપુરમાં 2.71ઈંચ, બેચરાજીમાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી નવીમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી સપ્ટેમ્બર) બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, 25થી 30મી ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલની હાનિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.