પાલનપુર: બાલારામ દર્શન કરીને પરત ફરેલા બે દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત; એકનું મૃત્યુ

પાલનપુર: બાલારામથી બાઇક ઉપર પરત આવી રહેલા પાટણના કાતરા (સમાલ) ગામના બે યુવકોને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના સગાએ અજાણ્યા ટ્રેલર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ તાલુકાના સરસ્વતી તાલુકાના કાતરા (સમાલ) ગામના પ્રકાશભાઇ કરશનભાઇ પટેલ (ઉ.વ.49) અને માવજીભાઇ લીલાભાઇ દેસાઇ બાઇક નં. જીજે 5. જી.બી. 2380 લઇ રવિવારે પાલનપુર તાલુકાના બાલારામમાં ભગવાન શિવજીના દર્શન કરવા આવ્યા હતા. જ્યાંથી સવારે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાલનપુર – આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક ટ્રેલર નં. એમ. એચ. 43. સી.ઇ. 5498ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

જેમાં પ્રકાશભાઇના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે માવજીભાઇને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ખેમાણા ટોલનાકાનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમણે નાસી રહેલા ટ્રેલરને રોકાવી પોલીસને જાણ કરી હતી. તેમજ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. આ અંગે મૃતકના સગા રમેશભાઇ તળસીભાઇ પટેલે ટ્રેલર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.