વિજાપુર તાલુકાના ફુદેડા ગામે મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચાર મામલે નિમાયેલી તપાસ કમિટીએ ગામલોકો સહિતના નિવેદન લઈ તપાસ પૂરી કરી દીધી છે. જેમાં કમિટીની સ્થળ તપાસમાં કેટલાક કામો જેસીબીથી થયાંનું ખૂલ્યું છે. જેનો તપાસ અહેવાલ આ સપ્તાહે ડીડીઓને સુપ્રત કરાશે. તપાસ અહેવાલને પગલે તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિત 14 કર્મચારીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે પગલાં ભરાઇ શકે છે તેમ તપાસ કમિટીના સૂત્રો કહી રહ્યા છે.
ફૂદેડામાં મનરેગા યોજના અંતર્ગત માટીના રોડ અને પેવર બ્લોક નાખવા સહિત 10 જેટલા કામો કરાયાં હતાં. જેમાં મજૂરોના ખાતામાં મજૂરીએ ગયા સિવાય રૂપિયા જમા થઇ ગયા હતા અને બારોબાર ઉપડી જતાં ગ્રામજનોએ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ઉઠાવેલી ફરિયાદને પગલે જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીનએ માર્ગ-મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં મહેસાણા ટીડીઓ, વિજાપુરના પંચાયતના એન્જિનિયર સહિત ચાર સભ્યોની તપાસ કમિટી બનાવી હતી.
કમિટીએ ગામમાં જઈ લોકોના નિવેદન લઈને સ્થળ તપાસ કરતાં કેટલાક કામો જેસીબીથી કરાયાં હોવાનું ખૂલ્યું હતું. માર્ગ-મકાન વિભાગના અધિકારી કૃણાલ રાવલ અને તેમની ટીમે તપાસ પૂરી કરી દીધી છે અને આવતા અઠવાડિયે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ અહેવાલ સુપ્રત કરશે. ત્રણ વર્ષના સમયગાળામાં મનરેગા યોજના અંતર્ગત બે તલાટી, બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે તાલુકા વિકાસ અધિકારી સહિત 14 જેટલા કર્મચારીઓના સમયમાં આ કામો થયા હોવાથી સીધી કે આડકતરી રીતે તેમની જવાબદારી તપાસ અહેવાલમાં નક્કી કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.