દેવાંગ આચાર્ય; અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 12 હજાર 262.83 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે અમદાવાદના બજેટમાં 1461 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ હોવા છતાં અમદાવાદીઓનું જીવન ખાડાઓએ હરામ કરી નાંખ્યું છે. વરસાદ પહેલા તો ખાડાઓ હતા જ પરંતુ ચોમાસામાં પડેલા મસમોટા ખાડાઓથી જનતા ત્રાસી ગઈ છે પરંતુ તે સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી.
ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપલ પાર્ટીના અધિકારીઓને ફાવતું મળ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. તેઓ પોતાની કમાણી કરવાના અવનવા રસ્તાઓ શોધતી જ રહે છે. કેમ કે વરસાદ પછી ખુબ જ ખરાબ રીતે રસ્તાઓ તૂટી ગયા હોવા છતાં રિપેરિંગ કામમાં પણ લાલીયાવાડી કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
આ બજેટને અમદાવાદીઓની સમસ્યાઓને ઓછી કરવા અને તેમના રોજિંદા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ફાળવવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં અમદાવાદના રસ્તાઓ બિસ્માર હાલતમાં આવી ગયા હોવા છતાં તેમના રિપેરિંગ કામ કરવામાં AMC પાછી પાની કરી રહ્યુ છે. બાર હજાર કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં અમદાવાદના અનેક વિસ્તારોમાં તો રોડ-રસ્તાઓ નામના બચ્યા છે, માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યા છે. તે છતાં તંત્ર આવા જીવલેણ ખાડાઓને જોઇ શકી રહી નથી.
આ પહેલા વિપક્ષે પણ સ્વચ્છતાની બાબતમાં ધીમે-ધીમે અમદાવાદ અન્ય શહેરો કરતાં પાછળ જતું હોવાનો આરોપ લગાવ્યો હતો. રોડ-રસ્તાઓની જેમ સ્વચ્છતા પણ પ્રાથમિક બાબત છે. એએમસી પાસે કરોડો રૂપિયાનું ફંડ હોવા છતાં સ્વચ્છતાને નજર અંદાજ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. તો બીજી તરફ રોડ-રસ્તાઓ નવા બનાવવા અને રિપેરિંગ કરાવવાની વાત તો દૂર-દૂર સુધી આવતી જ નથી.
દર વર્ષે એએમસીના બજેટમાં વધારો કરવામાં આવતો હોય છે, પરંતુ બીજી તરફ અમદાવાદીઓની તેવી રીતની સવલતો આપવામાં આવી રહી નથી. છેલ્લા 5 વર્ષમાં રોડ-રસ્તા માટે કરોડો રૂપિયાના ટેન્ડર પાસ થયા છે. રોડ રસ્તા બને છે પણ તે કેટલા ટકાઉ અને કેટલી સારી ક્વોલિટીવાળા છે તેની માહિતી કોર્પોરેશન પાસે છે કે નહીં તે અંગે એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે.
એન્જિનિયરના તો મસમોટા પગાર પર હોય છે તો બીજી તરફ સરકાર તરફથી એસીવાળી ઓફિસ આપવામાં આવે છે, તેથી તો બીજી તરફ કોન્ટ્રકટર પાસેથી એસીમાં બેઠા બેઠા માવો પણ મળી જતો હોય છે તો પછી તેમને રોડ-રસ્તાઓ અને જનતા વિશે વિચારવાનું જ ક્યાં આવે છે.
બજેટમાં નવા રસ્તા પાસ થયા હોય તે છતાં ઘણી વખત થિગડા મારી દેવામાં આવે છે, ક્યાં જનતાને ખબર પડવાની છે. જ્યારે કોઈ જાગૃત નાગરિક રોડ-રસ્તાની ફરિયાદ કરે છે તો તેને ટોકન પકડાવી દઇને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ફરિયાદી કંટાળી જાય તો બીજી તરફ સરકારી બાબુઓ સતત બદલાતા રહે અને માવો-મલાઇ ખાતા રહે છે. હવે તો કોન્ટ્રાક્ટરોને પણ પોતાના બિલ પાસ કરાવવા માટે બાબુઓને વ્યવહાર કરવો પડતો હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી જતી હોય છે.
આમ સરકારી કર્મચારીઓના મસમોટા ભ્રષ્ટાચારના કારણે જનતાને હેરાન થવું પડી રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના અનેક દાખલાઓ આપણી સામે હાજર છે. તેવામાં એક વખત ફરીથી અમદાવાદના 12 હજાર કરોડ રૂપિયાથી વધારે બજેટ હોવા છતાં જનતા ખાડાઓમાં કૂદી રહી છે. તો કેટલાક લોકો પોતાના સાધનો લઈને પાણી ભરેલા ખાડાઓમાં ખાબકી પણ રહ્યા છે.
આવાસના ઘરની ફાળવણી કરવામાં પણ એએમસીના ધાંધિયા
એક કેસમાં તો પાંચ વર્ષથી સરકારી આવાસ માટે લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે આપવા માટે તૈયાર જ નથી. ખ્યાલ નહીં એવું તો શું કામ કરી રહ્યું છે કે, પાંચ વર્ષથી પણ વધારે સમય થઇ ગયું હોવા છતાં સરખેજમાં આવેલા સરકારી આવાસના ઘર લાભાર્થીઓને ફાળવવામાં આવી રહ્યા નથી.
કદાચ જર્જરિત થયા પછી ઘર લાભાર્થીઓને આપવાનો પ્લાન પાલિકા બનાવી રહી હોવી જોઇએ. જણાવી દઇએ કે, આ ઘરનું ફોર્મ અંદાજે 2017-18માં ભરવામાં આવ્યા હતા. હાલમાં તે ઘર બનીને તૈયાર થઇ ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટરને પૂરી રકમ આપવામાં આવી નહોવાની વાત પણ સામે આવી રહી છે. તો બીજી તરફ હજારોની સંખ્યામાં લાભાર્થીઓ પોતાના ઘરના ઘરની રાહ જોઈને બેસ્યા છે. તે અંગે પણ AMCને જવાબ આપવો જોઈએ.
લાભાર્થીઓ પાસેથી તમામ પૈસા લઈ લીધા હોવા છતાં એએમસી કેમ ફ્લેટની ફાળવણી કરી રહી નથી, તે એક મોટો પ્રશ્ન બની બેસ્યો છે. આમ જેવી રીતે ખાડાઓથી અમદાવાદીઓ હેરાન પરેશાન થઇ ગયા છે, તેવી જ રીતે આવાસના ઘરની રાહ જોનારાઓ વર્ષોથી આશ લઈને બેસ્યા છે પરંતુ તેમની આશ પૂરી થઈ રહી નથી.
આ તમામ બાબતો પાછળ ક્યાંકને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે આગામી સમયમાં જવાબદારી અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવશે.