સમાજમાં સામાજિક દૂષણ કોણ ફેલાવે છે? બુટલેગર કે પોલીસ: સમાજ માટે સામાજિક દૂષણ એવા દારૂનું દૂષણ ચોક્કસ રીતે બુટલેગર ફેલાવે છે પરંતુ બુટલેગરને છાવરવામાં પોલીસ પણ ઘણી વખત મોટી ભૂમિકા ભજવતી હોય છે. તેથી જ દારૂ વર્તમાન સમયમાં સામાજિક દૂષણ બની બેસ્યુંં છે. જો પોલીસે બુટલેગરોને છાવરીને પૈસાની કમાણી કરવાનું શરૂ કર્યુંં નહોત તો અત્યારે દારૂ સામાજિક દૂષણ બની શક્યું નહોત. પરંતુ પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી ન રહી હોવાથી દારૂ સામાજિક દૂષણ બની બેસ્યું છે. તેવામાં આજે આપણે એક એવા બુટલેગર અને તેને છાવરતા પોલીસ સ્ટેશન વિશે વાત કરીશું જે બંને સમાજ માટે ખતરનાક બની બેસ્યા છે. હજું પણ આવા બુટલેગર અને તેને છાવરતી પોલીસને રોકવામાં આવશે નહીં તો દારૂનું દૂષણ રાક્ષસી રૂપ ધારણ કરી શકે છે. તેની સાથે જ સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ પણ પ્રતિદિવસ વધતું જઇ રહ્યું છે. દારૂના દૂષણથી એક નહીં પરંતુ અનેક નુકશાન સમાજ વર્તમાન સમયમાં ભોગવી રહ્યુ છે. તો આજે ડિસાના આસેડા ગામમાં ચાલતા અંગ્રેજી દારૂના મસમોટા દૂષણ વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું.
ડિસા તાલુકા પોલીસ સ્ટેશનની હદ્દમાં ચાલતો પ્રેમ પાર્લર એટલે દારૂ પીનારાઓ માટેનું સ્વર્ગ છે. બનાસકાંઠાના ડિસા તાલુકો અંગ્રેજી દારૂના વેચાણમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. પાલનપુરમાં તમને ઠંડી બિયર કે દારૂ માટે ફાંફા મારવા પડે છે પરંતુ ડિસામાં તમે એકદમ સરળ રીતે ઠંડી બિયર કે દારૂ મેળવી શકો છો. તો આજે આપણે ડિસા તાલુકા પોલીસ સ્ટેશનની રહેમનજર હેઠળ ચાલતા મસમોટા દારૂના વેપલા વિશે વાત કરીશું.
ડિસા તાલુકા પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં આસેડા નામનું ગામ આવેલું છે. આ ગામના છેવાડે બચુ બેટરી નામનો એક બુટલેગર પ્રેમ પાર્લર ચલાવી રહ્યો છે. આ બુટલેગરનો ઇતિહાસ ઘણો જૂનો છે. બચુ બેટરી 15 વર્ષની કૂમળી ઉંમરથી જ દેશી દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. જેમ-જેમ બચુની ઉંમર વધતી ગઈ તેમ-તેમ તે પોતાના ધંધાનો પણ વિસ્તાર કરતો ગયો હતો. એક સમય એવો આવ્યો કે બચુને દેશી દારૂની કમાણી ઓછી પડવા લાગી એટલે તેણે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ શરૂ કર્યું હતું.
બનાસકાંઠાના બુટલેગરોમાં બચુ બેટરી પોતાની એક અલગ નામના બનાવવાની ઈચ્છા ધરાવતો હોવાથી તેને પોતાના ધંધાને પ્રતિદિવસ વિસ્તાર કરતો રહ્યો હતો. વર્ષોની મહેનત પછી વર્તમાન સમયમાં બચુ બેટરીએ પોતાના સ્વપ્નને સાકાર કરી લીધું છે. બનાસકાંઠામાં બચુ બેટરી બુટલેગરનો સિક્કો ચાલે છે. દારૂના વેપારમાં એક એવી સિસ્ટમ ઉભી કરી દીધી છે કે, તેને ભેદવી ખુબ જ મુશ્કેલ છે. દારૂ પીનારાઓ માટે શાનદાર વ્યવસ્થા ગોઠવી હોવાથી તે એક અલગ જ મુકામે પહોંચી ગયો છે.
બચુ બેટરી વિશે કહેવામાં આવે છે કે, તે શાહરૂખની ફિલ્મો જોવાનો શોખીન છે. શાહરૂખની એક ફિલ્મે તેને એક અલગ જ દિશામાં લઈ જવાનું કામ પણ કર્યું છે. રઇશ ફિલ્મ જોઇ અને તેના જીવનમાં ખુબ જ મોટા પરિવર્તન આવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. રઇશ ફિલ્મ દેખ્યા પછી તો તે લોકોને કહેવા લાગ્યો કે કોઈપણ ધંધો નાનો હોતો નથી અને ધંધાથી મોટો કોઈ ધર્મ પણ હોતો નથી. આ ફિલ્મની અસર તેના જનમાનસ ઉપર એવી થઇ કે તેને લાજ-શરમ, સમાજ બધું નેવે મૂકીને ખુલ્લમ ખુલ્લા ઇંગ્લીશ દારૂનું મોટા પાયે ધમધોકાર વેપાર કરવા લાગ્યો. બનાસકાંઠાના ડીસા તાલુકાના સુખી અને સંપન્ન આસેડા ગામના છેડા ઉપર ડીસા પાટણ હાઈવે ઉપર રોડ ટચ પ્રેમ પાર્લરમાં જ તે કોઈ ડર વગર ધંધો કરી રહ્યો છે.
આ પણ વાંચો- ભ્રષ્ટાચાર: વિજાપુરના ફુદેડા ગામમાં મનરેગાના કામો જેસીબીથી કરાવી નાંખ્યાનો ખુલાસો
જ્યાંથી થોડે દૂર પાટણ જિલ્લાની બોર્ડર આવેલ છે. જે પ્રેમ પાર્લરથી માત્ર થોડાક અંતરે જ આવેલ છે. જ્યારે સાંજ પડતાની સાથે પોતાની પલ્સર મોટરસાયકલ ઉપર કોઈ મોટા ઓફિસરની જેમ ઇંગલિશ દારૂનો જથ્થો બેગમાં ભરીને પલ્સર લઈને નીકળે છે. આ દારૂનો જથ્થો સૌથી નજીક લાગતું વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં થઇને લઇ જાય છે. આ બચું બેટરીને વાગડોદ પોલીસ મથકના નાના કર્મચારીઓ તો બહુ દૂરની વાત પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ આ બુટલેગરને પકડતા ડરે છે કે પછી વ્યવહાર લે છે તે બંને વાતમાંથી એક વાત તો નક્કી જ છે. પોલીસ કોઈ બુટલેગરથી ડરે તે વાતમાં દમ નથી, તેથી વ્યવહાર થતો હોવા ઉપર વધારે ભાર મૂકી શકાય છે. આમ પોલીસની રહેમનજર વગર આટલા મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો ધંધો શક્ય નથી.
તેથી તો આજ દિન સુધી બચુ બેટરીને ત્યાં રેડ ન’તો ડીસા તાલુકા પોલીસે પાડી છે કે ન’તો બનાસકાંઠાની એલસીબીની ટીમે. હા અમુક વાર ચાર પાંચ ક્વાર્ટર લઈને એક નોર્મલ કેસ બનાવીને ડીસા તાલુકા પોલીસ પોતાની મહાન કામગીરી જરૂરથી બતાવી છે. પરંતુ બચુ બેટરી દ્વારા ફેલાવવામાં આવતો અંગ્રેજી દારૂના દૂષણને રોકવા માટે અત્યાર સુધી ડિસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈ જ નક્કર પગલા ભર્યા નથી. તો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે, કેમ ડિસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બચુ બેટરીને છાવરી રહ્યા છે? શું તેમને ખ્યાલ નથી કે, તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પાયે દારૂનું મોટા પાયે વેપાર ચાલી રહ્યો છે?
અન્નાનો દેખાવ ધરાવતો બચુ બેટરી બુટલેગર
બચુ બેટરીનો દેખાવ એવો છે કે, તેને કોઈપણ વ્યક્તિ દેખીને ગુજરાતી ના કહી શકે. કેમ કે તેનો દેખાવ અન્ના જેવો છે. સાઉથની ફિલ્મોમાં વિલનના પાત્રો ભજવતા હોય જેવો બચુ બેટરીનો દેખાવ છે. તેથી પ્રથમ નજરે તો સામાન્ય વ્યક્તિ તેને ક્યારેય ગુજરાતી હોવાનું માને નહીં. પરંતુ જ્યારે તે પોતાની દેશી બોલી બોલે ત્યારે જ ખ્યાલ આવે કે આ તો કોઈ ગુજરાતી છે. પોતાના ભયંકર દેખાવનો પણ બચુ બેટરી ફાયદો ઉઠાવી રહ્યો છે અને પોતે એક દાદા હોવાની છાપ ઉભી કરી છે.
દારૂ પીવા માટે ઉભી કરી છે શાનદાર વ્યવસ્થા
બચુ બેટરી દ્વારા તેના પાર્લર ઉપર દારૂની મોજ અને પાર્ટી કરવા માટે એક અલાયદી જ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેમ પાર્લર પાસે વહેતી નહેર પાસે બેસીને તેના પાણીમાં છબછબિયા કરતાં કે નહેરનાં પાણીને નિહાળતા નિહાળતા આરામથી પેગ ઉપર પેગ મારી શકાય તેવી અદ્દભૂત વ્યવસ્થા કરવામાં આવી છે.
તે ઉપરાંત થિયેટર જેવી પુસબેક સિટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જો નહેર પાસે કુદરતી વાતાવરણમાં અથવા થિયેટર જેવી પુસબેક સિટિંગમાં બેસીને દારૂ પીવામાં મોજ ન આવે તો સ્લીપર કોચની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. હવે તમને સવાલ થશે કે આ વ્યવસ્થા કરવા માટે તો કોઈ હોલ અથવા તો કોઈ પાર્ટી પ્લોટમાં વ્યવસ્થા કરવામાં આવેલ હશે ? પરંતુ તેવું નથી.
પ્રેમ પાર્લરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લક્ઝરી બસો પાર્ક કરવામાં આવેલ હોય છે. આ વ્યવસ્થા બંધ બોડીની લક્ઝરી બસમાં જ કરવામાં આવેલી છે. એન્ટ્રી ફી ના નામે અલગથી પૈસા ઉઘરાવવામાં આવે છે. તેમાં પણ ન ફાવે તો તેના ફાર્મ હાઉસ ઉપર પણ બહુ સુંદર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો- પાલનપુર: બાલારામ દર્શન કરીને પરત ફરેલા બે દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત; એકનું મૃત્યુ
ડિસા તાલુકા પોલીસ સ્ટેશનની રહેમનજર
આમ બચુ બેટરીએ પોલીસની રહેમનજર હેઠળ બનાસકાંઠા અને પાટણને ઉડતું પંજાબ બનાવી નાખ્યું છે. તમે બચુના અડ્ડા ઉપર દારૂ પિવા જાઓ તો ફિલિંગ તો રાજસ્થાનની જ આવે છે. ક્યાં ગયા પછી આપણને એવું લાગે કે આપણે આબુરોડ કે માઉન્ટ આબુ આવી ગયેલ છીએ. તો બીજી તરફ પોલીસનો પણ કોઈ ડર નહીં. બચુનો અડ્ડો દારૂ પિનારાઓ માટે સ્વર્ગ સમાન છે. કેમ કે આજ દિન સુધી પ્રેમ પાર્લર ઉપર કોઈ જાતની રેડ પડેલ નથી.
અમારા અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર તેની ઉપર કોઈ મસમોટા ગોડફાધરનો હાથ છે. તેથી જ તો આ બચુ બેટરી ફાટીને ધુમાડે ગયો છે. પરંતુ આગામી સ્ટોરીમાં બચુ બેટરી અને પોલીસની મિત્રતા વિશે વાત કરવામાં આવશે. બચુ દ્વારા પોલીસને કેટલો હપ્તો આપવામાં આવે છે, તેમાંય કોના ભાગે કેટલા પૈસા આવે છે તે વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવશે. ડિસા તાલુકા પોલીસ સ્ટેશન અને પાટણ વાગદોડ સ્ટેશનને કેટલી મલાઇ મળે છે તે અંગે કથિત રીતે ખુલાસા કરીશું.