નીતિન ગડકરીના મંત્રાલયે આપ્યા મોટા સમાચાર; હવે આટલા લોકોને નહીં ભરવો પડે ટોલ

કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે “ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા ખાનગી વાહન માલિકોને હાઇવે અને એક્સપ્રેસ વે પર 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે દરરોજ કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં.”

મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમ, 2008માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો હેઠળ GNSSનો ઉપયોગ કરીને ખાનગી વાહનો પાસેથી 20 કિલોમીટરથી વધુની વાસ્તવિક મુસાફરી માટે હવે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. તે ઉપરાંત ટોલ ગેટની આસપાસ આવેલા ગામવાસીઓને પણ આનાથી ફાયદો થશે. કેમ કે વર્તમાન સમયમાં ટોલગેટની આસપાસ રહેલા ગામડાના લોકોને પણ પાસ લેવો પડી રહ્યો છે, તેવામાં તેમને નવા નિયમ અનુસાર 20 કિલોમીટર સુધીના અંતરમાં આવતા ગામવાસીઓને કે જેમણે નજીક આવેલા શહેર-કસબામાં જવા માટે ટોલમાંથી છૂટછાટ આપવામાં આવી શકે છે.

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમ હેઠળ રાષ્ટ્રીય પરમિટ ધરાવતા વાહન સિવાયના અન્ય વાહનના ડ્રાઇવર, માલિક અથવા વ્યક્તિ પાસેથી રાષ્ટ્રીય રાજમાર્ગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલના ઉપયોગ પર એક દિવસમાં દરેક દિશામાં 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ઝીરો-યુઝર ચાર્જ લાદવામાં આવશે. એટલે 20 કિલોમીટરની મુસાફરી પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

મંત્રાલયે આ વર્ષે જુલાઈમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે જૂનમાં આ ફી વસૂલાત સિસ્ટમને મોટા પાયે લાગુ કરવા માટે વૈશ્વિક અરજીઓ પણ આમંત્રિત કરવામાં આવી હતી.