રાજકોટ ફાયર વિભાગમાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવામાં આવશે. જેમાં ચીફ ફાયર ઓફિસર સહિત 428 અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. જેથી વર્તમાન સમયના 250 જેટલા કર્મચારીઓનું સંખ્યાબળ વધીને 696નું થઇ જશે. એટલે કે 428 જેટલા કર્મચારીઓની ભરતી કરવા માટે સ્ટેન્ડિંગ કમેટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ પૂર્વ ટીપીઓ એમ.ડી સાગઠિયા સામે ACBના ગુના અંગે કાર્યવાહી ચલાવવા સહિત જુદી જુદી 46 દરખાસ્તો અંગે આવતીકાલેની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ મનપાની ફાયર શાખાના અધિકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગ બાદ આવા ગંભીર ગુનાઓ રોકવા હાઈકોર્ટ અને રાજ્ય સરકારે અનેક નવા માર્ગદર્શન જાહેર કર્યા હતા. જેને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મુજબનું સેટઅપ અને સુવિધા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ હેઠળ જ બમ્પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
છેલ્લા 9 વર્ષમાં રાજકોટની હદ બે વખત વધારવામાં આવી છે. નવા ગામો શહેરમાં ભળતા જાય છે. આથી ફાયર સુવિધાનું વિસ્તરણ પણ જરૂરી બન્યું છે. તેવામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની કરૂણ દૂર્ઘટના બનતા વધુ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ મનપાએ સેટઅપ તેમજ ભરતીના નવા નિયમો તૈયાર કરી લીધા છે. તેના ભાગરૂપે મનપા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાનું સ્ટાફ સેટઅપ રીવાઇઝ કરવા અને ભરતીના નિયમોમાં ફરેફાર કરવાની દરખાસ્ત 11 સપ્ટેમ્બરે મળનારી સ્ટે. કમિટીની મિટિંગમાં કમિશનર દેવાંગ દેસાઈએ મોકલી આપવામાં આવૂ છે.
