ભારતનો બીજો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ પાલનપુરમાં બનીને તૈયાર; લોકાર્પણની તૈયારી શરૂ

પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજને શરૂ કરવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાદરવી પૂનમના મેળાના સાથે તેનું લોકાર્પણની તૈયારી પણ કરવામાં આવી રહી છે. તેથી હાલમાં તેને શણગારવામાં આવ્યો છે. હવે તે જોવાનું રહેશે કે, આ બ્રિજનું ઉદ્ધાટન કોઈ રાજકીય નેતા કરે છે કે પછી ચૂપચાપ લોકાર્પણ કરી દેવામાં આવે છે. કેમ કે, આ બ્રિજની કામગીરીને લઈને ત્યારે પ્રશ્ન ઉભા થયા હતા, જ્યારે તેનો એક ગર્ડર તૂટી પડ્યો હતો.

જણાવી દઇએ કે, પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે. ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. આ બ્રિજથી પાલનપુર આરટીઓ સર્કલ ઉપર સર્જાતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરી શકાશે.

જીપી ચૌધરી ક્ન્સ્ટ્રક્શન કંપની ત્યારે સમાચારમાં ચમકવા લાગી હતા, 24 ઓક્ટોબર 2023ના દિવસે પાલનપુરમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નિર્માણાધીન થ્રી લેગ એલિવેટેડ બ્રિજની ચાલી રહેલી કામગીરી દરમ્યાન એક પછી એક 250 ટનના 6 સ્લેબ ધડાકાભેર નીચે પડતા બ્રિજની નીચે રિક્ષામાં બેસેલા બે યુવાનોના દર્દનાક મોત નીપજ્યાં હતાં. એક યુવકનું ભાગવા જતા કાટમાળ ઉપર પડતા જયારે બીજાનું રિક્ષામાં જ મોત થઈ ગયુ હતુ.

તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તેથી જ તો હવે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો હોવા છતાં કોઇ રાજકીય નેતા તેના લોકાર્પણ માટે તૈયાર નહોવાની ચર્ચા પણ ચાલી રહી છે. કેમ કે, આ બ્રિજની કામગીરીને લઈને આશંકા સેવાઇ રહી છે. તેથી રાજકીય નેતાઓ ભારતના બીજા એવા થ્રીલેટ એલિવેટેડ બ્રિજનું ઉદ્ધાટન કરવા માંગી રહ્યા નથી. ઉલ્લેખનિય છે કે, ભારતમાં પ્રથમ આવો થ્રીલેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બનાવવામાં આવ્યો હતો.

ઓવરબ્રિજના સ્લેબના કાટમાળ નીચે દબાઇને મૃત્યુ પામનાર મયુર મોહનભાઈ ચાંદરેઠીયા અને અજય ખોડીદાસ શ્રીમાળી
ઓવરબ્રિજના સ્લેબના કાટમાળ નીચે દબાઇને મૃત્યુ પામનાર મયુર મોહનભાઈ ચાંદરેઠીયા અને અજય ખોડીદાસ શ્રીમાળી

તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા હતા કડક ઓર્ડર

પાલનપુર આરટીઓ સર્કલ પાસે બનીને તૈયાર થયેલા ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે સરકાર દ્વારા તપાસ કમિટીની રચનાં કરવામાં આવી હતી. ત્યારે તપાસ કમિટી દ્વારા બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા.

આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ અપાયા હતા. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા હતા.

સમયની સાથે બધુ જ ભૂલાઇ બેસ્યું છે. બે નિર્દોષ લોકોના મોત પણ સરકાર સાથે જનતા પણ વિસરી બેઠી છે. એક વર્ષના સમયગાળામાં જ બેદરકારીભર્યા કામને ભૂલાવી દેવામાં આવ્યા છે. શું જીપી ચૌધરી ક્ન્સ્ટ્રક્શન કંપની સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર કડક કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવા બાબતે કંપની સામે કડક કાર્યવાહી કરશે ખરી? આ અંગે તપાસ કરીને આગળના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવશે.