શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? અજિત પવારના સૂર બદલાયા

મહારાષ્ટ્રમાં આ વર્ષના એન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણીની જાહેરાત પહેલા સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રક્રિયા હવે ઝડપી બની છે. ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બેઠકની વહેંચણી અને વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. અમિત શાહે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સન્માનજનક સંખ્યામાં બેઠકો આપવાની ખાતરી આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અજિત પવારના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને લઈને જાહેરમાં માફી માંગનાર પહેલા મહાયુતિ નેતા હતા. તેમણે બહેન સુપ્રિયા સુલે સામે તેની પત્નીને મેદાનમાં ઉતારવાની ભૂલ ગણાવીને માફી પણ માંગી છે અને કહ્યું છે કે પરિવાર અને રાજકારણને અલગ રાખવું જોઈએ. હવે તાજેતરનો મુદ્દો પરિવાર તોડવાનો છે. અજિત પવારે કહ્યું કે, ગઢચિરોલીમાં જન-સમ્માન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, સમાજ ક્યારેય એ નથી સ્વીકારતો કે કોઈ વ્યક્તિ તેના પરિવારને તોડે છે, સમાજને આ પસંદ નથી. તેમણે આનો અનુભવ કર્યો છે અને તેની ભૂલ સ્વીકારી છે.

NCPના 40 ધારાસભ્યોને પોતાની સાથે લાવીને અજિત પવારે પોતાના જ કાકા શરદ પવારને તેમણે સ્થાપેલી પાર્ટીમાંથી રવાના કરી દેવાયા. શરદ પવારને એનસીપી નામ – નિશાનની લડાઈ હાર્યા બાદ નવો પક્ષ બનાવવાની ફરજ પડી હતી. હવે તેમના વલણમાં અચાનક આવો બદલાવ કેમ આવ્યો, શું અજીતની એનસીપી હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના રસ્તે છે? હવે આ મુદ્દે મહારાષ્ટ્ર રાજકારણ વિવિધ અટકળો સાથે ગરમાયું છે. પરંતુ સવાલ એ છે કે આવી અટકળો શા માટે કરવામાં આવી રહી છે?