સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ભ્રમ ફેલાવનારા સામે દાખલ કરાઇ ફરિયાદ; જાણો શું છે સત્ય

ગત 08 સપ્ટેમ્બર 2024ના રોજ સવારના 9.52 કલાકે Raga For India નામના યુઝરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જૂનો ફોટોગ્રાફનો તાજેતરના ફોટા તરીકે ઉપયોગ કરીને એક પોસ્ટ કરી હતી. જેમાં ‘કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ’ લખ્યું હતું. જેથી પ્રજા અને પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આમ યુઝર દ્વારા સુલેહ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે કરાયેલી પોસ્ટ અને અન્ય તમામ પાસાઓ અંગે ઉચ્ચ અધિકારીઓએ ગહન અભ્યાસ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને કાયદેસરની પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે Raga For India નામના યુઝર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(બી) હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરાઈ છે. આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.ચૌધરી કરી રહ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ સાયબર સેલ વિભાગે આ અંગે એકતાનગર પોલીસ સાથે તપાસ શરૂ કરી છે. એકતાનગર ડીવાયએસપી સંજય શર્માએ આ અંગે માહિતી આપી હતી.

વાઇરલ ફોટો વિશે સત્ય જાણવા માટે તેને ગૂગલ પર રિવર્સ સર્ચ કરતાં તે ન્યૂયોર્ક ટાઇમ્સ સહિત ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ પર મળી આવ્યો હતો. ચેક કરવા આપેલ વેબસાઇટ લિંક… પર ક્લિક કરી શકો છો…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 2018નો છે. જ્યારે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હતું. તે જ સમયે સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબર 2018ના રોજ તેનું અનાવરણ થવાનું હતું. તપાસ દરમિયાન અમને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકના X હેન્ડલ પર આને લગતી પોસ્ટ પણ મળી. આ પોસ્ટમાં વાઇરલ ફોટો સાથે કરવામાં આવેલા દાવાને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, Raga For India દ્વારા પોતાની અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેં આ સમાચારની પુષ્ટિ કરી છે, આ તસવીર કન્સ્ટ્રક્શન સમયની છે. આમ તે હેન્ડલ દ્વારા તસવીરને વર્તમાન સમયની નહીં પરંતુ જૂની હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ અંદર તિરાડો હોવાનું કહીને તે પડી શકે છે, તેવો ભ્રમ પોતાની પ્રથમ પોસ્ટમાં ફેલાવવામાં આવ્યો હતો.