ઉદ્ધાટન પહેલા જ પાલનપુરના થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બનેલા થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બ્રિજના બે સ્લેબ વચ્ચે વધારે પ્રમાણમાં જગ્યા હોવાનું દેખાઇ રહ્યુ છે. તે ઉપરાંત બ્રિજના બે સ્લેબ વચ્ચે રહેલી જગ્યાની આસપાસ તિરાડો દેખાઇ રહી છે. જેથી પાલનપુર સહિત બનાસકાંઠામાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે અગાઉ પણ આ બ્રિજના છ સ્લેબ તૂટી પડ્યા હોવાથી કંપનીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પોતે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી.

હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા બ્રિજનું ઉદ્ધાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવવાનું છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ એક નવી જ ચર્ચાએ જન્મ આપ્યો છે. આ ચર્ચા એટલા માટે ઉભી થઇ છે કેમ કે 11 મહિના પહેલા બ્રિજના 6 સ્લેબ એકાએક તૂટી પડ્યા હતા. જેમાં પાલનપુરના બે 18 વર્ષના યુવકોના મોત થઇ ગયા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ થ્રી-લેગ રોટરી બ્રિજનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વચ્ચે જ તેમાં ખરાબી હોવાનો વીડિયો વાયરલ થતાં તર્ક-વિતર્ક ઉભા થયા છે.

તેથી બ્રિજ બનાવનાર કંપનીની ખરાબ કામગીરીને લઈને પ્રશ્ન ઉભા થયા હતા. તેવામાં એક વખત ફરીથી ઉદ્ધાટન પહેલા જ બ્રિજના વાયરલ વીડિયોએ ચિંતામાં વધારો કર્યો છે. તેમાંય બ્રિજનું ઉદ્ધાટન શંકર ચૌધરી જેવા મોટા ગજાના નેતા કરવાના હોવાથી ચિંતામાં વધારો થયો છે. એક સમયે તો એવી પણ વાત ચાલી રહી હતી કે, આ બ્રિજનું ઉદ્ધાટન કરવા માટે કોઈ તૈયાર નથી.


ઘાટ કરતાં ઘડામણ વધારે 

જણાવી દઇએ કે, અમદાવાદ હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી થઇ ગયો છે. : 40 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો છે. બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર લોકો હવે પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. 42 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે કૉર્પોરેશન દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે.

હવે 42 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજને 52 કરોડ રૂપિયાના ખર્ચે તોડવામાં આવશે. કોઈ જાનહાનિ ન થાય તે માટે બ્રિજને વર્ષો પહેલા જ બંધ  કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેને તોડવા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. જોકે, તે ખર્ચ કંપની પાસેથી વસૂલવામાં આવશે પરંતુ આટલા વર્ષો સુધી  જનતાને હેરાનગતિ તો ભોગવવી પડી છે,  તેનો હિસાબ કોણ આપશે તે નક્કી નથી.

તેવી જ રીતે પાલનપુરમાં બનેલા થ્રી-લેગ એલિવેટર બ્રિજની ગુણવત્તાને લઈને આશંકા સેવાઇ રહી છે. તેથી જાનહાનિનો ડર ઉભો થયો છે. પરંતુ ઉદ્ધાટન પહેલા બ્રિજ ઉપર લોડિંગ સાધનો વડે સારી રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતુ. પરંતુ સમય જ બતાવશે કે બ્રિજ કેટલી ગુણવત્તાનું બનાવવામાં આવ્યું છે. કેમ કે નેશનલ હાઇવે 47 ખુબ જ વ્યસ્ત હોવાના કારણે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં બ્રિજ પરથી વાહનો પસાર થશે. તેમાંય ટ્રકોની સંખ્યા  મોટા પ્રમાણમાં રહેશે.