પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવાર સાત સભ્યો પાણીમાં ડૂબ્યા હતા. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા છે. જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નદીમાં ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા. જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, તરવૈયાની મદદથી તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના નામ
- શિતલબેન નિતિનભાઇ પ્રજાપતિ (માતા)
- જિનિત નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર)
- દક્ષ નિતિનભાઇ પ્રજાપતિ (પુત્ર)
- નયન રમેશભાઇ પ્રજાપતિ (મામા)