ગૃહ વિભાગે દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે. દારૂબંધી મુદ્દે કડકાઇ કરવાના બદલે ઢીલ આપતો નવો પરિપત્ર સામે આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે. નવા પરિપત્ર પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે. હવે 1 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે અને વિદેશી દારૂનો 2 લાખ 50 હજારનો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે.
અત્રે જણાવીએ કે, દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. અગાઉ દેશી દારૂ રૂપિયા 15 હજારનો પકડતો તો ક્વોલિટી કેસ ગણાતો તેમજ વિદેશી દારૂ રૂપિયા 25 હજારનો જથ્થો પકડતો તો અગાઉ ક્વોલિટી કેસ ગણાતો પરંતુ તે રકમ હવે વધારી દેવામાં આવી છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નશાબંધી નીતિને વરેલી છે અને તે માટે નશાબંધી અધિનિયમ,1949નો રાજ્યમાં વ્યવસ્થિત અને કડક રીતે અમલ થાય તે આવશ્યક અને અનિવાર્ય છે. આ બદી નાબૂદ કરવામાં સુપરવાઈઝરી અધિકારીઓ સહિતના જે સ્થાનિક પોલીસ ખાતાના અધિકારીઓ ઉદાસીનતા, નિષ્ક્રિયતા કે બિન કાર્યક્ષમતા દાખવે તેવાં સંબંધીત અધિકારી/કર્મચારીઓ વિરૂદ્ધ ખાતારાહે પગલાં લેવા તથા તેમના ખાનગી અહેવાલમાં વિરુદ્ધ નોંધ લેવા અંગેની સંકલિત સૂચનાઓ છે ગણનાપાત્ર કેસ માટે દેશી દારૂ, વિદેશી દારૂ અને નશીલા પદાર્થની નવી કિંમત મર્યાદા નિયત કરેલ છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગણાનાપાત્ર કેસો માટે દેશી દારૂની કિંમત રૂપિયા 1,00,000/- જેમાં, પકડાયેલ દેશી દારૂની કિંમત પ્રતિ લી. રૂ. 200 અને વોશની કિંમત પ્રતિ લી. રૂ.25 ધ્યાને લેવી. ગણાનાપાત્ર કેસો માટે વિદેશી દારૂની કિંમત રૂ.2,50,000/- કે જેમાં ફક્ત પકડાયેલ વિદેશી દારૂની કિંમત ધ્યાને લેવી અને નશીલા પદાર્થના કેસ માટે રૂ.2,50,000/-ની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવો.