પાલનપુર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મહામેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો હોવાથી તેની વ્યવસ્થામાં સરકાર કોઈપણ જાતની કચાસ રાખવા માંગતી નથી. કેમ કે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુંઓ વચ્ચે નાની એવી ભૂલ પણ ભારે પડી શકે છે. તેવામાં આ વખતે બનાસકાંઠા જિલ્લાના ક્લેક્ટર મિહિર પટેલની કામગીરીને લઈને પ્રશ્ન ઉભા થયા છે.
યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે. ત્યારે રાજ્યભરની મોટી સંખ્યામાં પોલીસને ખડે પગે તૈયાર રાખવામાં આવી છે, તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને દૂર-દૂરથી બોલાવીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. પરંતુ ક્લેક્ટર મિહિર પટેલની દિશાવિહીન કામગીરીના કારણે આરોગ્ય કર્મચારીઓ રઝડી પડ્યા છે.
એક તરફ માં અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવી રહ્યાં છે તો બીજી તરફ તેમના સ્વાસ્થ્યને સાચવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને રસ્તા ઉપર રઝડતા મૂકી દેવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, આરોગ્ય વિભાગના ક્લાસ વન અને ક્લાસ ટૂ જેવા અધિકારીઓને પણ રસ્તાની પાટડીઓ ઉપર બેસવાનો વારો આવ્યા છે.
કેમ કે, આ અધિકારીઓને ન તો કોઈ ગાડીની સુવિધા આપવામાં આવી છે ન તો તેઓ પોતાની ગાડી લઈને તેમના ફરજના સ્થળે જઈ શકી રહ્યા છે. ફરજના સ્થળે જવા માટે પોલીસ પાસેથી પાસ લેવા પડે છે. તો બીજી તરફ પોલીસ પાસે ગાડીઓના પાસ ન હોવાની વાત સામે આવી રહી છે. આમ આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે સૂડી જેવી સ્થિતિ ઉભી થઈ છે.
ક્લેક્ટર મિહિર પટેલની ખરાબ કામગીરીના કારણે બે સરકારી ખાતાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થયું છે. પોલીસ બેડાનો નાનામાં નાનો કર્મચારી મેળામાં ગાડી લઈને મેળામાં ગમે ત્યાં આવી જઈ શકે છે પરંતુ મહત્વપૂર્ણ એવા આરોગ્ય વિભાગના ક્લાસ વન અધિકારી પણ પોતાના સ્થળ ઉપર ગાડી લઈને જઈ શકી રહ્યો નથી. એક તરફ 140થી વધારે 108 લોકોના સ્વાસ્થ્યને સાચવવા માટે ઉભી કરવામાં આવી છે પરંતુ ડોક્ટર જ પોતાની ફરજના સ્થળ ઉપર પહોંચી શકશે નહીં તો 108 હોવાનો પણ શું અર્થ રહી જશે.
આરોગ્ય વિભાગના અન્ય નાના કર્મચારીઓને તંત્ર દ્વારા અપડાઉન કરવાનું ના પાડવામાં આવ્યું છે. પરંતુ તેમણે તેમની ફરજના સ્થળ ઉપર કોઈ જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી. ફરજના સ્થળ ઉપર ન રહેવાની વ્યવસ્થા છે ન ખાવાની વ્યવસ્થા છે. ભોજન કરવા માટે પોતાના ફરજના સ્થળથી બહાર જવા માટે તે કોઈ સાધનનો પણ ઉપયોગ કરી શકતો નથી. તેવામાં અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે.
ઘણા કેસોમાં એવું છે કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ્યાં રોકાયા હોય છે, ત્યાંથી તેમનો ફરજ સ્થળ પાંચ-છ કિલોમીટર હોય છે, તેવા કેસોમાં પણ પોલીસ કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓને ગાડી લઈને જવા દેવામાં આવી રહ્યા નથી. તેથી શ્રદ્ધાળુંઓના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખનારા કર્મચારીઓ અંબાજી મેળામાં આવીને ભોઠા પડ્યા છે. આમ ભલે ક્લેક્ટર મિહિર પટેલે અન્ય બધી બાબતે વ્યવસ્થા સારી ગોઠવી હોય પરંતુ મહત્વપૂર્ણ ક્ષેત્ર એટલે આરોગ્ય બાબતે તેમની અણઆવડતતા સામે આવી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાબતે મિહિર પટેલની દિશાવહિન કામગીરી જોવા મળી છે.
તો બીજી તરફ જિલ્લા ક્લેક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, અમે યોગ્ય રીતે તમામ રીતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ કંઇક અલગ જ છે. મિહિર પટેલની અણઆવડત નરી આંખે ઉડીને દેખાઈ રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓથી લઈને અનેક સીનિયર સિટીજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લાખોની સંખ્યા વચ્ચે ભગવાન ન કરે ને કોઇ અણબનાવ બને તે સમયે આરોગ્ય કર્મચારી સમયસર ઘટના સ્થળે પહોંચી શકે નહીં તો તેની જવાબદારી કોણ લેશે? ક્લેક્ટર લેશે કે પછી પોલીસ વિભાગ લેશે? અંતે તો સરકાર અને જનતા આરોગ્ય મંત્રી ઋષિકેસ પટેલ પાસે જ જવાબ માંગશે.