દેવાંગ આચાર્ય; અમદાવાદ: આજે એક એવા પોલીસ કોન્સ્ટેબલની સ્ટોરી કહીશું કે જેના સામે તો સાઉથની ફિલ્મનો પાત્ર રોકીભાઈ પણ ફિકો લાગવા લાગશે. પરંતુ આ સ્ટોરીમાં પાત્ર હિરો કરતાં વિલન વધારે લાગે છે. કેમ કે, તેને પોલીસ બેડામાં રહીને પોતાની જવાબદારીઓથી ઉંધા જ કામગીરી કરીને પૈસા કમાવવાનું જ કામ કર્યું છે. આમ પોતાની પોલીસની ભૂમિકા ક્યારેય ભજવી નથી અને પોલીસ તરીકેની પોતાની જવાબદારી ક્યારેય નિભાવી નથી.
આપણે આપણા પાત્રની સ્ટોરી કહીએ તે પહેલા તેનું નામકરણ કરવું પડશે. જોવા જઇએ તો તે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશન ઉપર એકચક્રિય શાસન ચલાવી રહ્યો છે. રીતસરના રાજાશાહીની જેમ રાજ કરી રહ્યો છે, તેથી તેનું નામ ‘રાજ’ રાખીશું. તો આપણે આપણી સ્ટોરીમાં આપણા પાત્રને રાજ કહીને સંબોધન કરીશું. રાજના ઓરિજનલ નામનો ખુલાસો આગામી અહેવાલમાં કરીશું. સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠશે પરંતુ તે જાણવા માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે.
રાજનો પોલીસ ખાતામાં જોડાવવાનો આશ્રય જ માત્ર પૈસા બનાવવાનો હોય તેવી રીતે એકમાત્ર લક્ષ્ય પૈસા કમાવવા ઉપર જ કેન્દ્રિત કરેલું છે. હાલમાં રાજ અમદાવાદના મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પરંતુ તે દિવસ દરમિયાન પોતાની ફરજના વિસ્તારમાં નહીં પરંતુ પૂર્વના બે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના શિકાર માટે વિચરતો રહે છે. પોતાના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશનમાં રાજે એક પેટાવહીવટદારની નિમણૂંક કરી રાખી છે. આ પેટાવહીવટદારને જીએસ મલિકે કે કંપનીમાં મૂકી દીધો છે.
રાજ પાછલા દસ વર્ષથી પણ વધારે સમયથી વટવા પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળી રહ્યો છે. આ વિસ્તારમાં રાજનો સિક્કો ચાલે છે. પોલીસ સ્ટેશનના પીઆઈ પણ રાજને પૂછ્યા વગર કોઈ કામ કરી શકતા નથી. દારૂ સહિતના તમામ ગેરકાયદેસર કામને લઈને કોઈપણ નિર્ણય લેવો હોય તો પોલીસ સ્ટેશનના પીઆઈને રાજને પૂછવું જ પડે છે.
વાત જાણે તેમ છે કે, વર્તમાન સમયમાં અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે અનેક વહીવટદારોને કે કંપનીમાં સજાના ભાગરૂપે ધકેલી દેવામાં આવ્યા છે. રાજ દ્વારા રાખવામાં આવેલા પેટાવહીવટદારને પણ કે કંપનીમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત તે છે કે, હાલના સમયમાં પણ ત્રણ પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે કામ કરતાં રાજને પોલીસ કમિશ્નર જીએસ મલિકને રાજ કેમ નજરમાં આવ્યો નહીં.
રાજના પાવરની વાત કરીએ તો પૂર્વ પોલીસ કમિશ્નરે રાજને કે કંપનીમાં મૂક્યો હતો. પરંતુ સજાના ભાગરૂપે કે કંપનીમાં એક દિવસ પણ તેને કામ કર્યું નહતું પરંતુ પોતાનું વહીવટદાર તરીકેનું કામ રાબેતા મુજબ જ ચાલું રાખ્યું હતું. તો ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ પણ તેને કંઇ જ કહી શક્યા નહતા. આમ પોલીસ કમિશ્નરની વાતને જે નજરઅંદાજ કરી જતો હોય તો અન્ય પોલીસ કર્મચારી કે પીઆઈની તો રાજ સામે શું પીપુડી વાગવાની?
માધુપુરામાં એક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજની પહોંચ પોલીસ કમિશ્નર જી.એસ મલિક કરતાં પણ વધારે હોય તેવું દેખાઇ રહ્યું છે. કેમ કે હાલમાં જી.એસ મલિક જેવા કડક અધિકારી પણ રાજને હટાવી શકવામાં નિષ્ફળ ગયા છે તો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે શું રાજને કોઈ રાજકીય સપોર્ટ મળી રહ્યો છે? જો સપોર્ટ મળી રહ્યો છે તો પછી રાજ દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવતા પૈસા ગાંધીનગરના ઘરો સુધી જતાં હોય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક મોટા નેટવર્ક દ્વારા જ રાજ પોતાનું એકચક્રિય શાસન બનાવી શક્યો હોઇ શકે છે. રાજકીય પીઠબળ વગર એક કોન્સ્ટેબલ તરીકે પોલીસ કમિશ્નરને ટક્કર આપી શકાય નહીં તેના માટે કોઈ ગોડ ફાધરનો હાથ હોવો જરૂરી છે.
આમ ગાંધીનગર સુધી પોતાની પહોંચ રાખનાર રાજ સામે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર પણ પાણી ભરતા હોય તેવું દેખાઇ રહ્યુ છે. અમદાવાદ શહેરના ત્રણ-ત્રણ મલાઇદાર પોલીસ સ્ટેશનોનું વહીવટ સંભાળીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ બનાવી લીધી છે. તો હાલમાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને અબજો રૂપિયામાં ફેરવવાની કામગીરી યથાવત રીતે ચાલું છે.
રાજ જે પોલીસ સ્ટેશનોનું વહીવટ સંભાળે તે વિસ્તાર ગેરકાયદે કેમિકલ ડમ્પ કરવાથી લઈને અનેક ગોરખ ધંધાઓનો હબ બની બેસ્યો છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ કેમિકલ ડમ્પ કરવાની કામગીરી કરાવીને તગડી કમાણી કરી રહ્યો છે. સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, એક કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરાવવાના એક લાખ રૂપિયાથી વધારે રાજ લઈ રહ્યો છે. જણાવી દઇએ કે, એક મહિનામાં મોટી સંખ્યામાં કેમિકલ ભરેલા ટેન્કર ખાલી કરવામાં આવે છે.
ગુજરાત પોલીસમાં એક કોન્સ્ટેબલ તરીકે નોકરી કરનારા વ્યક્તિનો પે સ્કેલ 19,500 રૂપિયાનો હોય છે. સામાન્ય રીતે જોવા જઇએ તો એક કોન્સ્ટેબલ પોતાના જીવનમાં પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ કરવા માટે પણ સક્ષમ હોતો નથી. મોંઘવારી વચ્ચે સંપત્તિ ભેગી કરવી કોન્સ્ટેબલ માટે શક્ય નથી. પરંતુ રાજે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી નાંખી છે. અમદાવાદમાં માત્ર તેને પાંચથી સાત કરોડ રૂપિયાનો તો બંગલો જ બનાવ્યો છે. તો વિચારો કે અન્ય કેટલી સંપત્તિ એકઠી કરી હતી. આપણી સ્ટોરીનો રાજ બેનામી સંપત્તિનો પણ બેતાજ બાદશાહ છે. એસીબી યોગ્ય દિશામાં તપાસ કરે તો પોલીસ બેડામાં ક્લાસવન અધિકારી પાસે સંપત્તિ નહોય તેટલી સંપત્તિ રાજ પાસેથી મળી શકે છે.
એક કોન્સ્ટેબલની નોકરી કરનાર રાજ લક્ઝરી કારો સિવાય ફરતો નથી. તેની ફેવરેટ ગાડી ક્રેટા છે. જો કે, કોઈ દિવસ ફોર્ચ્યુનરમાં પણ ફરતો જોવા મળે છે. આમ ગાડીઓનો ખુબ જ શોખ ધરાવે છે. તેથી તે વિવિધ ગાડીઓનો પોતાનો શોખ પૂરો કરતો જોવા મળે છે. મોટા ભાગે તે ક્રેટા ગાડીમાં જ ફરતો હોય છે.
જણાવી દઇએ કે, રાજ જે ત્રણ પોલીસ સ્ટેશનમાં વહીવટ કરે છે, તેના પીઆઈ બદલાય છે પરંતુ તે વહીવટદાર તરીકે ચાલું રહે છે. કોઈપણ પીઆઈ આવે વહીવટદાર તો રાજને જ રાખવો પડે છે. પીઆઇને બદલી કરાવવી હોય તો પણ રાજને કહેવું પડે છે. અન્ય કોઈ પીઆઈને રાજના પોલીસ સ્ટેશનોમાં પીઆઈ તરીકે બદલી કરાવીને આવવું હોય તો પણ તેના સાથે પહેલા વાત કરવી પડે છે. આમ બદલી કરાવવાથી લઈને ગુનાહિત જગતમાં બેસેલા તિસમાર ખાં સાથે ડિલ કરવામાં રાજનો અવ્વલ નંબર આવે છે.
તો બીજી તરફ પાછલા દસ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહીને ફરજ બજાવતો હોવાના કારણે ક્યાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેની રજેરજની માહિતી તેના પાસે છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રાજ આપણા ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નામ વટાવીને પોતાની ધાક જમાવતો હોવાનું પણ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ અનેક જગ્યાએ પ્રદિપ સિંહ જાડેજાના નામે પોતાના કામ કઢાવતો હોવાનું નજરમાં આવ્યું છે. જો કે, તે કહેવું અઘરૂં છે કે પ્રદિપ સિંહ જાડેજાનો હાથ ખરેખર રાજ ઉપર છે કે પછી નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલની જેમ પોલીસ બેડામાં પોતાનો સિક્કો ચલાવવા અને અધિકારીઓને ડરાવવા માત્ર નામ વટાવી રહ્યો છે.
ખેર, જે હોય તે પરંતુ વર્તમાન સમયમાં રાજનું કામ ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરી રહ્યો છે. હાલમાં તો રાજનું વહીવટ કરવાનું કામ એટલું બધુ વધી ગયું છે કે, તેને પોતાના હાથ નીચે 12થી 15 તો કોન્સ્ટેબલો સેટ કરી રાખ્યા છે. રાજ બોલે તેટલું જ કામ કરવાનું, અહીં સુધી કે પોલીસ સ્ટેશનનો પીઆઈ પણ તેના વિરૂદ્ધમાં નિર્ણય લઈ શકવાની હિંમત કરી શકતો નથી. રાજ કહે તે બાબત ફાઈનલ થઇ જાય છે.
રાજે પાંચથી સાત કરોડ રૂપિયાનો આલિશાન અને વૈભવી બંગલો બંધાવ્યો છે.. જેમાં દુનિયાભરની સુખ સગવડો ઉભી કરેલી છે. લિફ્ટથી લઈને સ્વિમિંગ પૂલ સુધી તેમાં બનાવવામાં આવ્યું છે. આઈપીએસ પાસે પણ બંગલો નહોય તેવા બંગલામાં રાજ વૈભવી જીવન જીવી રહ્યો છે. જોકે, રાજના જીવનમાં મીડિયાએ થોડૂ એવું ઘમાસણ ઉભું કર્યું હોવાથી તેને પોતાનો બંગલો ભાડે આપી દીધો છે. આમ ભાડા થકી પણ પૈસા કમાઇ રહ્યો છે અને અન્ય જગ્યાએ શાનદાર ફ્લેટમાં જીવન વ્યતિત કરી રહ્યો છે.
રાજના એકચક્રિય શાસનને કેવી રીતે ખત્મ કરી શકાય?
રાજના એકચક્રિય શાસનને એ.કે. સિંઘે ખત્મ કરવાની નાની એવી કોશિશ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. તો વર્તમાન સમયમાં કડક વલણ ધરાવતા એ.કે. સિંઘે રાજની સત્તાના પાયા હલાવવાની કોઇ કોશિશ કરી નથી. પરંતુ જો રાજના અજગરી ભરડામાંથી અમદાવાદ શહેરના ત્રણ પોલીસ સ્ટેશનોને છોડાવવા હોય તો તેની જિલ્લા ફેર બદલી કરવી પડે. જો જિલ્લા ફેર બદલી કરવામાં આવે તો વર્તમાન સમયમાં જે ત્રણ પોલીસ સ્ટેશનોનું વહીવટ રાજ સંભાળી રહ્યો છે, તે વિસ્તારોમાં ચાલી રહેલા તમામ ગોરખધંધાઓને બંધ કરાવી શકાય છે. આ ત્રણ વિસ્તારોમાં રાજે એટલા તો ગોરખધંધાઓને પરવાનગી આપી દીધી છે કે, જો તેની લિસ્ટ બનાવવા બેસીએ તો થાકી જવાય એમ છે.
જો પોલીસ કમિશ્નરને રાજ પાસેથી ટેમ્પરરી છૂટકારો મેળવવો હોય તો જિલ્લાફેર બદલી કરવી પડશે. તો અમદાવાદના ત્રણ વિસ્તારોને પણ રાજના ત્રાસથી છૂટકારો મળી શકે છે. પરંતુ પરમાનેન્ટ રાજ જેવા ભ્રષ્ટ કર્મચારીથી પોલીસ બેડાને છૂટકારો અપાવવો હોય તો એસીબીએ તેની અપ્રમાણસર મિલકતોને ટાંચમાં લઈને યોગ્ય દિશામાં કાર્યવાહી હાથ ધરવી પડશે.
જે રીતે ગઇકાલે સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે ACB વડોદરા બ્યુરો દ્વારા તેઓની મિલકત અંગે તપાસ હાથ ધરી હતી. ACBના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો.
આમ આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું ફલિત થતાં કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.
તેવી જ રીતે રાજ સામે પણ મિલકતના ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો ઘણા બધા ઘટસ્ફોટ સામે આવી શકે છે. રાજ તો પકડાશે પરંતુ તેની સાથે-સાથે મસમોટા માથાઓ વિશે પણ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. તો બેનામી સંપત્તિ ગણવામાં એસીબીને પણ ચક્કર આવી જશે. રાજ વિશેની વધુ સ્ટોરી આવતા અંકે વાંચો…