સોલર એનર્જી અપનાવનાર વાવોલ ગામની પીએમ મોદી લેશે મુલાકાત

વડાપ્રધાન 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ મેટ્રોને લીલીઝંડી આપશે. રાંદેસણ મેટ્રો રેલવે સ્ટેશન પાસે યુવાનો અને મુસાફરો સાથે વાતચીત કરશે. બાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધિત કરી કરોડાના વિકાસ કાર્યોની ભેટ આપશે. GMDC ગ્રાઉન્ડથી સીધા ગાંધીનગર જશે.

આજે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં સૂર્ય ઘર યોજનાનાં લાભાર્થીઓના ઘરે જશે… વાવોલની શાલિન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ પણ કરશે.. ઉપરાંત છત પર જઈને સોલાર પેનલ નિહાળશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં છે. 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાનારા રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતા પહેલા પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. PM ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં જશે અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળશે. આ સાથે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે.

વાવોલમાં કૂલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે. તેમજ 14 હજાર નોંધાયેલા મતદારો છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. જ્યારે શાલિન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે. જેમાંથી 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે. વડાપ્રધાન 53 નંબરના બંગલોમાં જશે. જ્યાં તેઓ છત પર જઈને સોલાર પેનલ નિહાળશે.

ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રેમલસિંઘ ગોલે મીડિયાને જણાવ્યું કે, વાવોલ મહાત્મા મંદિરની એકદમ નજીક આવેલું હોવાથી વડાપ્રધાન અહીં આવી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ગાંધીનગર શહેર-જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે.

આ અંગે શાલિન-2 સોસાયટીના ચેરમેન સુરેશ ચૌધરીએ જણાવ્યું કે,પીએમનો આ સોલાર પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી યોજના છે. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત અમારી સોસાયટીમાં આવી રહ્યા છે તેને લઈ અમે ગર્વ અનુભવીએ છીએ. મકાન માલિકોને સોલાર માટે સબસિડી આપવામાં આવે છે તેનાથી આર્થિક ફાયદો થાય છે. તેમજ સૌર ઉર્જાને કારણે વીજળી ઉત્પન્ન કરવાનું જે પ્રદૂષણ થાય છે તેમા પણ ફાયદો થાય છે. અમારી સોસાયટીમાં 22 મકાનો પર સોલાર સિસ્ટમ કાર્યરત છે. જેનો સારામાં સારો આર્થિક લાભ દરેક મકાન માલિક લઈ રહ્યા છે. અમે વાવોલવાસીઓ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે સોએ સો ટકા ઘરમાં આ સોલાર લાગે અને સૌને મફત વીજળીનો લાભ મળે એ માટે પ્રચાર કરી તેનો લાભ મેળવીશું.