બનાસકાંઠાથી પ્રતિદિવસ ગૌવંશ અને ભેસોથી ભરેલી પાંચ ગાડીઓ રાજસ્થાનના કેટલાક કતલખાનાઓમાં મોકલવામાં આવી રહી છે. ગાડીઓને બેરોકટોક જવા દેવા માટે પોલીસને પણ ખુશ કરવામાં આવી રહી છે. તો અન્ય પણ કેટલાક ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગૌવંશના પશુઓની હત્યા અટકાવવા પશુઓની ગેરકાયદે કતલ કરવાના દુષણ પર અંકુશ મેળવવા ગુજરાત સરકારે સમગ્ર દેશ કરતાં પણ વધારે કઠોર કાયદો બનાવેલો છે. પરંતુ બનાસકાંઠામાં બધા જ કાયદાઓ બેકાર બની ગયા છે.
એસપી અક્ષયરાજ મકવાણા પાલનપુરમાં એસી ઓફિસમાં બેસે છે તો બીજી તરફ તેમની પોલીસ ગૌવંશને કતલખાને મોકલવા માટે હપ્તા ઉઘરાવી રહી છે. ગમે તેટલો કડક કાયદો સરકાર બનાવશે પરંતુ પોલીસ જ ફૂટમાં હશે તો શું ફરક પડવાનો છે? તેથી હર્ષ સંઘવીને ગૌવંશની હત્યાને રોકવા માટે સક્રિય થવું પડશે. જેવી રીતે પ્રદિપસિંહ જાડેજા દ્વારા ગૌવંશની હત્યાને અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો, તેવી જ રીતે હર્ષ સંઘવીને પણ ગ્રાઉન્ડ લેવલે ગૌવંશના હત્યારાઓને ડામવા માટે મેદાનમાં ઉતરવું પડશે.
ગુજરાતમાં ગાય અને ગૌવંશના સંરક્ષણ માટે ગૌવંશના દોષિતોને આજીવન કેદની સજાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત કાયદા અને કેસ પ્રમાણે દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીની સરકાર સમયે પ્રદિપસિંહ જાડેજા દ્વારા ગૌવંશની હત્યા રોકવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો હતો.
તે સમયે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગૌવંશના પશુઓની હત્યા અટકાવવા માટેના કાયદાઓ હોવા છતા તેની જોગવાઈઓ કડક નહીં હોવાથી કસાઈઓ બેફામ અને બેરોકટોકપણે ગૌ સંસ્કૃતિનું વસ્ત્રાહરણ કરતા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થતું હશે ત્યાં આ સંવેદનશીલ સરકાર આંખે પાટા બાધીને બેસી રહેશે નહી. આવા તત્વો સામે કઠોરમાં કઠોર કાર્યવાહી કરતા સરકાર જરાપણ અચકાશે નહીં.
પરંતુ હર્ષ સંઘવી કદાચ ગૌવંશના કાયદાને ભૂલી બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એક વખત ફરીથી અસામાજિક તત્વો ગાયોને બેરોકટોક કતલખાને મોકલી રહ્યા છે. બનાસકાંઠામાંથી પ્રતિદિવસ 15થી વધારે ગૌવંશ સહિતના જાનવરો ભરેલી ગાડીઓ રાજસ્થાનમાં મોકલવામાં આવી રહી છે. આ તમામ ગાડીઓમાં ગૌવંશ-ભેસો ભરેલી પાંચ ગાડી ડિસાના એક મુસ્લિમ વેપારીની નિકળે છે.
આ તમામ ગાડીઓના માલિક ચેક પોસ્ટ પાર કરાવવા માટે હપ્તો આપે છે. પાલનપુર પોલીસે તો પોતાના પૈસા ઉઘરાવવા માટે એક ખાનગી વ્યક્તિને રાખેલો છે, જે અડધી રાત્રે નિકળતી તમામ ગાડીઓ પાસેથી પ્રતિદિવસ હપ્તો ઉઘરાવતો જોવા મળે છે.
આ અંગે આગામી અહેવાલમાં ડિસા સહિતના તમામ ગૌવંશના હત્યારાઓ વિશે મસમોટા ખુલાસાઓ કરવામાં આવશે. પોલીસ પોતાની ફરજ ભૂલીને ગૌવંશને કતલખાના સુધી પહોંચાડવા માટે કેટલો હપ્તો લે છે તો ગૌરક્ષોની નકારાત્મક ભૂમિકા વિશે પણ ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ કરવામાં આવશે.
