પાલનપુર: સાઇબર ક્રાઇમથી બચવા માટે ગુજરાત સરકાર અનેક રીતની જાહેરાતો કરતી રહી છે.પરંતુ તે છતાં લોકો સાઇબર ક્રાઇમના શિકાર બની જતા હોય છે. હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાઇબર ક્રાઇમના શિકાર બન્યા છે. ખેડૂતોના મોબાઇલમાં પીએમ કિસાન યોજનાની લીંક મૂકી સાઇબર ગઠિયાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. મળી રહેલી જાણકારી અનુસાર, ત્રણ ખેડૂતો સાઇબર ગઠિયાઓનો શિકાર બની ગયા છે. વડગામના સકલાણાના 3 અને મુમનવાસના 1 પશુપાલકના રૂ. 3.84 લાખ ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે.
પાલનપુર- વડગામ સહિત જિલ્લાની જુદીજુદી દૂધ મંડળીના 1,50,000 ઉપરાંત પશુપાલકો સુધી પીએમકેવાયસીની લીંક પહોંચી છે. તેથી આગામી સમયમાં ખેડૂતો સાવચેત રહેશે નહીં તો છેતરપિંડીનો શિકાર થઈ શકે છે. જે ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે, તેમણે સ્થાનિક પોલીસ મથક અને સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી છે.
સકલાણાના ત્રણ ખેડૂતોના ખાતામાંથી રૂ. 98,300, રૂ. 86,000, રૂ. 97,0000 અને મુમનવાસના પશુપાલકના ખાતામાંથી રૂ. 1,00,000 મળી કુલ રૂ. 3,84,000 ઉપડી ગયા હતા. પોલીસ મથક તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર જાણ કરી હતી. દૂધ મંડળીના મંત્રી અર્જુનસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, પાલનપુર અને વડગામની જુદીજુદી દૂધ મંડળીઓના ગૃપમાં આ લીંક મૂકવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1,50,000થી વધુ પશુપાલકો સુધી આ લીંક પહોંચી ગઇ છે.
ખેડૂતોને કેવી રીતે બનાવવામાં આવે છે શિકાર
સકલાણાના નરેન્દ્રસિંહે ખેડૂતોને સાવચેત કરતાં કહ્યુ કે, પીએમ કિસાન યોજનાની લીંક મૂકી રૂ. 6000ની સહાયની લાલચ આપવામાં આવે છે. ખેડૂત લીંક ઉપર ક્લિક કરે એટલે મોબાઇલનો ડેટા ચોરી થઇ જાય છે. મે લીંક ઉપર ક્લિક કરેલી હતી. જોકે, મોબાઇલ હેક થયો તેની જાણ થઇ ન હતી. સવારે અન્યને નાણાં મોકલવાની પ્રોસેસ કરતાની સાથે જ ખાતામાંથી રૂ. 98,300 ઉપડી ગયા હતા. ખાતામાં બેલેન્સ ઝીરો થઇ ગયું હતું. પીએમ કિસાનની લીંક છેતરામણી છે.