ઉનાવા મીરાદાતારના ટ્રસ્ટી ઉપર દરગાહની જમીન વહેંચી મારવાનો ગંભીર આરોપ; યોગ્ય દિશામાં તપાસ કરવા માગ

ઉંઝા: મહેસાણા જિલ્લાના ઉંઝા પાસે આવેલા ઉનાવામાં ગેસ્ટ હાઉસો અને હોટલો સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને ધમધોકાર ચાલતા હોવાનો અહેવાલ ગુજરાત ટાઇમ્સ 24 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રકાશિત થયા પછી ઉનાવામાં આવેલ પ્રસિદ્ધ હજરત સૈયર મીરા દાતાર (ર.અ)ની દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડો વિશેની ગંભીર માહિતી ગામ લોકો દ્વારા જ આપવામાં આવી છે.

ઉનાવાના દરગાહ કમિટીમાં રહેલા એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે માહિતી આપતા જણાવ્યું છે કે, દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા બહાર લારી-ગલ્લા પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની વસૂલી કરવામાં આવી રહી છે. આ પૈસા દરગાહના ટ્રસ્ટમાં આપવાની જગ્યાએ ટ્રસ્ટીઓ પોતાના ખિસ્સા ગરમ રાખે છે.  તો વધુ એક ગંભીર આક્ષેપ તે પણ  કરવામાં આવી રહ્યો છે કે, દરગાહના બે ટ્રસ્ટીઓની મિલીભગતથી દરગાહ શરીફની જમીન પણ અન્ય વ્યક્તિને લાખો રૂપિયામાં વેચીને પૈસા હજમ કરી નાંખવામાં આવ્યા છે.

ઉનાવાના મુસ્લિમ સમાજના સ્થાનિક જનતામાં પણ ટ્રસ્ટીઓના ભ્રષ્ટાચાર અને ખરાબ કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું છે કે, દરગાહના ટ્રસ્ટી તબરેજ આલમે દરગાહની જમીન બારોબાર વહેંચી મારી હોવાથી તેની યોગ્ય દિશામાં તપાસ થવી જોઇએ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સૈયત તબરેજ સૈયદ રફીક અને મુસુલ મીયા મુસ્તુફા મિયા દ્વારા દરગાહની જમીન જાગીન મિયાં રિયાઝ મિયાને માર્કેટ ભાવ કરતાં ઓછી કિંમતમાં વહેંચી દીધી છે.

ઉનાવામાં વક્ફ બોર્ડની જમીન બારોબાર વહેંચવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ચોંકાવનારી બાબત તે છે કે, ઉનાવા દરગાહની સારસંભાળ રાખનારાઓ જ દરગાહને લૂંટવાનું કામ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. તે ઉપરાંત તેઓ ગરીબ લોકોને ગંદકીથી ખદબદતા વિસ્તારમાં સુખ-સુવિધા વગરની જગ્યાઓ ગેરકાયદેસર રીતે ભાડે આપીને અન્ય પણ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે.  મુમતાજ મિયા હુસેન મિયા ગરીબોને ગંદકીથી ખદબદતી જગ્યા એટલે કે હુસૈની ચોક પર ખંડેરો સમાન ઘરોમાં ઝૂપડપટ્ટી જેવી જગ્યાઓ ભાડે આપીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલી રહ્યા છે. કોઈ ઘર કે દૂકાન ભાડે આપવા માટે જીવન જરૂરીયાત અને પાયાની જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ હોવી જોઈએ પરંતુ ઉનાવામાં લાચાર ગરીબ પરિવારોને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ખંડેરોમાં રહેવા માટે મજબૂર કર્યા છે. ભાડાના નામે વસૂલી કરતાં  હોવા છતાં તેમણે કોઇ જ સુવિધા આપવામાં આવી રહી નથી. ગરીબોના હક્કોનું હનન કરીને એક રીતે વસૂલી રેકેટ ચલાવવામાં આવી રહ્યુુ છે.

આ  પણ વાંચો- ઘટસ્ફોટ: ઉનાવા મીરા દાતારની દરગાહની આસપાસ ધમધમતા ગેસ્ટ હાઉસમાં સરકારી નીતિ-નિયમોનો ગંભીર ઉલ્લંઘન

વર્તમાન સમયમાં વક્ફ બિલને લઈને મુસ્લિમ સમાજમાં ચારે તરફ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ ઉનાવામાં તો વક્ફની જમીનની રક્ષા કરવા બેસાડેલા લોકો દ્વારા જ વક્ફની જમીન બારોબાર વહેંચી મારવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી ક્લેક્ટર સહિત સક્ષમ અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉભી થઈ રહી છે,  તો બીજી તરફ ઉનાવામાં ગરીબોને નર્ક સમાન જગ્યા ઉપર રહેવા અને તેનું પણ ભાડૂ વસૂલવામાં આવતું હોવાનું સામે આવતા હ્યુમન રાઇટ્સે એક્ટિવ થઈને યોગ્ય પગલા ભરવા રહ્યા.

સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉનાવામાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ટ્રસ્ટીઓ દ્વારા પૈસાની વસૂલી તો કરવામાં આવે છે પરંતુ સાફ-સફાઇ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. દરગાહ શરીફની આસપાસ પણ સાફ-સફાઇ કરવામાં નિરસતા દાખવવા આવી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે, દરગાહની જે જમીન વહેંચી દેવામાં આવી છે, તે પરત દરગાહ ટ્રસ્ટને પરત લેવી જોઈએ. જમીન વહેંચવામાં આવેલા કૌભાંડ બાબતે યોગ્ય દિશામાં તપાસ કરીને દોષિતોને જેલના સળીયા પાછળ ધકેલવા જોઈએ. પરંતુ રક્ષક જ ભક્ષક બની બેસે તો શું થાય. જમીનની રખેવાળી કરનારાઓએ જ જમીનને છૂમંતર કરી દીધી છે.

આ પણ વાંચો- મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં; ગુપ્તચર રિપોર્ટથી સરકારનું ટેન્શન વધ્યું

આ અંગે તપાસ કરવામાં આવે તો જમીન રેકર્ડ પરથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં વધારે વાર લાગશે નહીં. કેમ કે ભ્રષ્ટાચાર એકદમ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે. આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં રોકેટ સાયન્સની જરૂરત નથી. તેથી સરકારમાં કરેલી એક અરજી પછી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સક્ષમ અધિકારીઓએ ઇમાનદારીથી કામ કરીને દરગાહની જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

મીરા દાતારની દરગાહના કારણે ગુજરાતને એક અલગ ઓળખ મળી છે. પરંતુ ઉનાવાના મુસ્લિમ સમાજ અને ખાસ કરીને દરગાહ સાથે જોડાયેલા લોકો દ્વારા જ પૈસા કમાવવા માટે ગેસ્ટ હાઉસ અને હોટલોમાં સરકારી નીતિ-નિયમોના ઉલ્લંઘનથી લઈને ગેરકાયદેસર વસૂલી કરવાના કામ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આમ અનેક ગેરકાયદેસર કામો કરીને ગુજરાતના વલી ગણાતા મીરા દાતારનું નામ તેમના જ ટ્રસ્ટીઓ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. તેથી તેમણે ટ્રસ્ટી પદ્દ ઉપરથી દૂર કરવાની પણ માંગણી ઉભી થઈ રહી છે. ઉનાવામાં ગેરકાયદેસર ચાલી રહેલા ગેસ્ટ હાઉસ-હોટલો સહિત દરગાહમાં અંદરખાને ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આગામી સમયમાં ચોંકાવનારી માહિતી સાથે ટૂંક સમયમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે. તો ગેરકાયદેસર રીતે થઇ રહેલી વસૂલી અંગે પણ રિપોર્ટ આપવામાં આવશે. તો વાંચતા રહો ગુજરાત ટાઇમ્સ24…

આ પણ વાંચો- સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું રેલવે સ્ટાફે બનાવ્યું નિષ્ફળ