બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે.
મુંગેર-ભાગલપુર નેશનલ હાઇવે-80 પર એકથી દોઢ ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાના નિશાનથી 55 સેમી ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના છ તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબૌર, કહલગાવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઇ ગયું છે. ખેતરોમાં શાકભાજી અને મકાઇના પાક ડૂબી ગયા છે.
બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. દિયારાના ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બડહિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યુ છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઇ છે.
કેદારનાથ પગપાળા માર્ગનો 15 મીટરનો હિસ્સો ધરાશયી થઇ ગયો છે. જેના કારણે શનિવાર સાંજથી કેદારનાથની અવરજવર બંધ છે. દર્શન કરી પરત ફરી રહેલા 5000થી વધુ તીર્થ યાત્રીઓને વૈકલ્પિક માર્ગથી સુરક્ષિત રીતે ગૌરીકુંડ લઇ જવામાં આવ્યા હતાં.
મધ્ય પ્રદેશમાં 1 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીમાં 1063.3 મિમી વરસાદ પડયો છે જે વાર્ષિક સરેરાશ વરસાદથી 15 ટકા વધારે છે. છેલ્લા 18 વર્ષોમાં પ્રથમ વખત વાર્ષિક સરેરાશ વરસાદથી વધુ વરસાદ પડયો છે.