રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. જ્યારે વડોદરા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો છે.
શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતાં લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.
આ વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા
મુશળધાર વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે, ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ
સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. જેમાં રઘુકુળ માર્કેટ, મિલેનિયમ ટેકસ્ટાઇલ માર્કેટ સહિતની માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા.
વડોદરામાં ધોધમાર વરસાદ
વડોદરા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો છે, ત્યારે શહેરના સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરા, સુભાનપુરા સહીતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાતા લોકોને હાલાકી પડી.
આ તરફ આણંદ જિલ્લાના અનેક વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ઉમરેઠ પંથકના રતનપુરા, લિંગડા થામણા સુંદલપુરા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 138.31 મીટરે
ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 138.31 મીટર પર પહોંચી છે. જેના કારણે ડેમના 10 દરવાજા 1 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.