ગાંધીનગર: ડબ્બા ટ્રેડિંગને સાઇબર ક્રાઇમ ગણવો કે નહીં તે પોલીસ માટે એક મૂંઝવણ છે. કેમ કે શેર માર્કેટની ટિપ્સ આપીને કાયદેસર અને ગેરકાયેદસર બંને રીતે પૈસાની કમાણી કરી શકાય છે. શેરમાર્કેટમાં યોગ્ય અને સાચી રીતે ટિપ્સ આપીને ગ્રાહકને નફો કરાવીને કરવામાં કમાણી કાયદેસર છે પરંતુ તેના માટે પણ સેબીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો કે, અહીં તો ગ્રાહકોને ડબ્બામાં લાવીને મસમોટું નુકશાન કરાવવામાં આવી રહ્યું છે, આમ ગેરકાયદેસર રીતે ટિપ્સ આપવાની તેમાંય ડબ્બો કરીને ડબલ ગુનો કરવાનો. આ ડબ્બામાં ઉતારવા માટે પણ ઠગોની એક મોટી ચેઇન કામ કરી રહી હોય છે. આ ડબ્બા ટ્રેડિંગનો ધંધો વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં ફૂલ્યો ફાલ્યો છે. મહેસાણાથી જન્મેલા ડબ્બા ટ્રેડિંગના ધંધો અનેક જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે.
ડબ્બા ટ્રેડિંગ વિશે વધુ વાત કરીએ તે પહેલા તમને જણાવી દઇએ કે, વર્ષ 2023માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી) પર એક લાખથી વધુ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમને લગતી ફરિયાદો મળી છે અને દેશભરમાં 17 હજારથી વધુ FIR નોંધાઈ છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ એરેસ્ટની છ હજાર, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ ચીટિંગની 1725 ફરિયાદ મળી છે.
હવે આ તમામ કેસોમાં ડબ્બા ટ્રેડિંગ થકી ચૂનો લગાવવામાં આવેલા પણ કેસોને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ અનેક કેસો એવા પણ છે, જે ક્યારેય બહાર જ આવી શક્યા નહીં હોય. ડબ્બા ટ્રેડિંગ વિશે વાત કરીએ તો મહેસાણામાં એક સમયે ડબ્બા ટ્રેડિંગના આરોપીઓને પોલીસ છાવરી રહી હતી. મલાઈ ખાવા માટે પોલીસે ડબ્બા ટ્રેડિંગના આરોપીઓને નજરઅંદાજ કરી દીધા હતા. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી ઉદ્દભવી છે કે, હવે તો પોલીસને જ ખ્યાલ નથી કે જિલ્લામાં કેટલું યુવાધન ડબ્બા ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલ છે. તો બીજી તરફ ડબ્બા ટ્રેડિંગના ખેરખાં આરોપીઓ ઉપર પોલીસ હાથ નાંખી રહી નથી.
હાં, તે ચોક્કસ છે કે પાછલા કેટલાક સમયમાં પોલીસે ડબ્બા ટ્રેડિંગ કરતાં નવા નિશાળીઓને પકડીને થોડી વાહ વાહી મેળવી છે. પરંતુ તેમની આંખો સામે રહેલા વિક્રમ અને અશોક જેવા કેટલાક મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે. પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ડબ્બા ટ્રેડિંગના મોટા માથાઓને પોલીસ બેડાના ઉપલા અધિકારીઓ સાચવી રહ્યા છે, તો બીજી તરફ ડબ્બાના આરોપીઓ પાસથી મળી રહેલા બ્લેકમનીનો ઉપયોગ થકી કેટલાક અધિકારીઓ પોતાના માટે મસમોટા બંગલાઓ પણ બંધાવી રહ્યા છે. આ એક અલગ તપાસનો વિષય છે. કેમ કે આવક કરતાં વધારે કમાણી કરનારાઓ અધિકારીઓની સંખ્યા પણ મોટી છે. વિસનગર પોલીસમાં પાછલા એકાદ વર્ષથી ફરજ બજાવતા અધિકારીઓની આવકની યોગ્ય તપાસ કરવામાં આવે તો પણ ડબ્બા ટ્રેડિંગને છાવરતા અધિકારીઓની મિલીભગતનો એકદમ સરળ રીતે ખુલાસો થઈ શકે છે.
ડબ્બા ટ્રેડિંગના ધંધામાં એક નવા નામનો ખુલાસો- વિકાસ…
જણાવી દઇએ કે, વિસનગરમાં રહીને ડબ્બા ટ્રેડિંગનો મોટા પાયે ગેરકાયદેસર ટીમો ચલાવનારાઓ આરોપીઓ અન્ય જિલ્લાઓમાં અને રાજ્યોમાં પોતાનો અડિંગો જમાવી રહ્યા છે. આ વચ્ચે વિસનગરનો ડબ્બા ટ્રેડિંગનો એક જૂનોજોગી અને મોટું માથું વિસનગરથી ગાંધીનગર-અમદાવાદ તરફ ચાલ્યો ગયો છે. અત્યાર સુધીમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ તમામ આરોપીઓ ગાંધીનગરથી દૂર રહેતા હતા પરંતુ આ એકમાત્ર એવું નામ છે, જેને ગાંધીનગરમાં બેસીને ડબ્બા ટ્રેડિંગ કરવાની હિંમત કરી છે.
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર,, વિકાસે ઝડપીગતિએ પોતાનો વિકાસ કરવા માટે મહેસાણા જિલ્લાને છોડીને ગાંધીનગર-અમદાવાદમાં પોતાની ડબ્બા ટ્રેડિંગની ટીમો ચલાવી રહ્યો છે. એક તરફ SMCની ટીમ ડબ્બા ટ્રેડિંગના આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય થઇ છે, તે સમયે જ વિકાસ ગાંધીનગરમાં બેસીને SMCની નાક નીચે ધંધો કરી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા જ વડનગરના છાબલિયાથી એસએમસીએ ડબ્બા ટ્રેડિંગ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પરંતુ વિકાસ તો એસએમસીના ઘરમાં બેસીને જ કામ કરાવી રહ્યો છે.
ખરેખર તો વિકાસની હિંમતને દાદ દેવી પડે કેમ કે તે રાજ્યના પાટનગર અને આર્થિક પાટનગરમાં બેસીને દેશભરના લોકોને ચૂનો લગાવવો નાનીસૂની વાત થોડી છે. એક તરફ ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર દાદા રાજ્યના વિકાસ માટે સરકારી બાબુઓને ફોન ઉપર ખખડાવી રહ્યા હશે તે સમયે જ વિકાસ પોતાના ગોરખધંધાને લઈને જનતાને ચૂનો લગાવી રહ્યો હશે. બોલો એક જ શહેરમાંથી વિકાસ અને વિનાશ બંને રીતના કામો થઈ રહ્યા છે.
આ પણ વાંચો- ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; EV ચાર્જિંગનું માળખું મજબૂત કરાશે
ગાંધીનગરમાં પોલીસને કંટ્રોલ કરતાં ગૃહમંત્રી અને પોલીસ બેડાની મસમોટી ઓફિસો આવી હોવા છતાં વિકાસે ઘણું મોટું હિંમતનું કામ કર્યું છે. આપણે માનવું પડશે કે, વર્તમાન સમયમાં દારૂ જેવા અનેક ગેરકાયદેસર ધંધાઓ પોલીસની નજર હેઠળ જ ધમધોકાર ચાલી રહ્યાં છે, પરંતુ વિકાસ પોલીસને પણ અંધારામાં રાખવા માટે સફળ થયો છે. ગાંધીનગર-અમદાવાદ પોલીસને ચકમો આપવો નાની સૂની વાત નથી. પરંતુ હાલમાં વિકાસ બંને શહેરોની પોલીસની આંખમાં ધૂળ નાંખીને ડબ્બા ટ્રેડિંગનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યો છે.
આ અંગે આગામી સમયમાં એક વિસ્તૃતમાં રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે. જે અહેવાલમાં વિકાસની ટીમોમાં કેટલા લોકો જોડાયેલા છે. તે ગાંધીનગર અને અમદાવાદમાં પોતાની ટીમો ક્યાં વિસ્તારમાં બેસાડે છે, તે અંગેનો ખુલાસો કરવામાં આવશે. તો તેને આ ગેરકાયદેસર ધંધામાં કેટલો માલ બનાવ્યો છે અને તેને કોણ છાવરી રહ્યું છે તે અંગેની પણ માહિતી પ્રકાશિત કરવામાં આવશે. વાંચતા રહો ગુજરાત ટાઈમ્સ24