ખાનગી બસ, સ્વીફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 7ના મોત

આજરોજ દેવભૂમિ દ્વારકાના પાદરમાં ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત જેટલા મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે એક ડઝનથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ઘટનાના પગલે સમગ્ર જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તો માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

રક્તરંજિત બનેલો દ્વારકા ધોરીમાર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસે આવેલી એક હોટલ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ (નંબર એન.એલ. 01 બી. 2207) આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.

આ પછી સામેની તરફથી દ્વારકા તરફ આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર (નંબર જી.જે. 11 બી એચ 8988) અને તેની સાથે એક ઈક્કો મોટરકાર (નંબર જી.જે. 18 બી.એલ. 3159) વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ વચ્ચે વધુમાં ચર્ચાથી વિગત મુજબ અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.

15 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

આ ત્રિપલ અકસ્માતમાં જુદા જુદા વાહનોમાં સવાર કુલ સાત મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય આશરે 15થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા.

ખાનગી બસ, સ્વીફ્ટ અને ઈક્કો કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પ્રાંત ઓફિસર અનમોલ અવટેએ જણાવ્યું હતું કે, ફર્ન હોટેલ પાસે એક રોડ અકસ્માત થયો છે. જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 7લોકોના મોત અને 14 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. મૃતકોમાં પાંચ લોકો કલોલ ગાંધીનગરના રહેવાસી છે. જેમાં હેતલબેન ઠાકુર (28 વર્ષ), પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ), તાન્યા ઠાકુર (3 વર્ષ), રિયાજી ઠાકુર (2 વર્ષ) અને વિરેન ઠાકુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી 26 વર્ષીય ચિરાગ રાણાભાઇ અને અન્ય એક મહિલાનું પણ મૃત્યુ નીપજ્યું છે.

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા

આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલાઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ અત્યારે આગમન થયું હતું.

મૃતકોના નામ

  1. હેતલબેન અર્જુનભાઈ ઠાકુર (ઉં.વ.28, રહે. કલોલ, ગાંધીનગર)
  2. પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર (ઉં.વ.18, રહે. કલોલ)
  3. તાન્યા અર્જુભાઈ ઠાકુર (ઉં.વ.3)
  4. રિયાજી કિશનજી ઠાકુર (ઉ.વ. 2, રહે. કલોલ)
  5. વિરેન કિશનજી ઠાકુર
  6. ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડીયા, તા દ્વારકા))
  7. એક અજાણ્યા મહિલા