બેંગલુરુ : કર્ણાટકના બેંગલુરુની એક કોર્ટે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીથી વસૂલાત એટલે કે ખંડણીના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંગલુરુની કોર્ટમાં આદર્શ ઐયર નામની વ્યક્તિ દ્વારા પીસીઆર કરાઇ હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા બળજબરીથી વસૂલાત કરવામાં આવી હતી. એપ્રીલ 2019થી ઓગસ્ટ 2022 દરમિયાન બિઝનેસમેન અનિલ અગ્રવાલની કંપની પાસેથી લગભગ 230 કરોડ રૂપિયા અને અરબિંદો ફાર્મસી પાસેથી 49 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી વસુલાયા હોવાનો પણ આરોપ લગાવાયો છે.
જે બાદ બેંગલુરુની જનપ્રતિનિધિયોંની વિશેષ કોર્ટે નિર્મલા સીતારમણ અને અન્યોની સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 42મી એસીએમએમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. બેંગલુરુની કોર્ટના આદેશ બાદ પોલીસે નિર્મલા સિતારમણ અને અન્યોની સામે એફઆઇઆર દાખલ કરી છે. નોંધનીય છે કે કેન્દ્રએ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષોને ફંડ પુરુ પાડવાની એક યોજના તરીકેનો હતો. ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને ફન્ડ આપવામાં આવતું હતું પરંતુ ક્યા પક્ષને કોણે દાન આપ્યું તે માહિતી ગુપ્ત રખાતી હતી. સુપ્રીમ કોર્ટે આ ચૂંટણી બોન્ડ કે જેને ઇલેક્ટોરલ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને રદ કરી દીધા હતા.
જનાધિકાર સંઘર્ષ પરિષદ (જેએસપી)ના સહ-અધ્યક્ષ આદર્શ ઐયરે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ચૂંટણી બોન્ડના માધ્યમથી ડરાવી અને ધમકાવીને બળજબરીથી વસૂલાત કરવામાં આવી હતી. એસીએમએમ કોર્ટે એક આદેશ જારી કરીને તેને પોલીસ સ્ટેશન મોકલવા કહ્યું હતું. અન્ય જે પણ નેતાઓની સામે ફરિયાદની માગણી કરવામાં આવી હતી તેમાં નિર્મલા સિતારમણ ઉપરાંત ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી. વાઇ. વિજયેંદ્ર, ભાજપના નેતા નલિન કુમાર, કેન્દ્રીય અને રાજ્ય ભાજપ કાર્યાલય તેમજ ઇ.ડી. વિભાગનો પણ સમાવેશ થાય છે.
તેથી હવે આ તમામ સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટમાં થયેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ઇડીને વિવિધ કંપનીઓ અને તેના સીઇઓને ત્યાં દરોડા પાડવા, જપ્તી કરવા દબાણ કર્યું હતું. ઇડીના દરોડાના ડરના પગલે અનેક કંપનીઓએ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી અને કરોડો રૂપિયા પક્ષને આપ્યા. પ્રાથમિક માહિતી મુજબ તિલકનગર પોલીસે ફરિયાદમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ, ઇડીના અજાણ્યા અધિકારીઓ, ભાજપ કાર્યાલયના અજાણ્યા લોકોનો ઉલ્લેખ છે. ફરિયાદમાં ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમો લગાવવામાં આવી છે.
લગભગ 15 જેટલી અરજીઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જનઅધિકાર સંઘર્ષ પરિષદ આદર્શ અય્યરે કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી ના કરતાં અય્યર કોર્ટમાં ગયા હતા. કોર્ટે એક કેસમાં આદેશ આપતાં બીજા કેસોમાં પણ નિર્મલા સહિતના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે.