ધોધમાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત

નેપાળમાં ધોધમાર વરસાદના પગલે આવેલા પૂર અને ભેખડો ધસી પડતા 66 લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય 36 લોકો ઘાયલ થયા છે. દેશના કેટલાક ભાગોમાં ગુરુવારથી થઇ રહેલા સતત વરસાદના કારણે સત્તાવાળાઓએ ફરીથી પૂરની ચેતવણી ઉચ્ચારી છે.

હિમાલયન આ દેશમાં અખંડ વર્ષાના લીધે મૃત્યુ પામેલા 66 લોકો પૈકી 34 જણાના મોત કાઠમંડુ ખીણમાં થયા છે. પૂરમાં 36 લોકો જખ્મી થયા છે.  પાણીએ સર્જેલી અરાજકતાના લીધે દેશભરમાં 44 લોકો ગુમ થઇ ગયા છે, જે પૈકી 16 લોકો કાઠમંડુ ખીણમાં લાપત્તા થયા છે. 1000 થી વધુ લોકોને મોતના મુખમાંથી બચાવી લેવાયા છે.