શું ગાંધીનગર પોલીસ ડબ્બા ટ્રેડિંગ કરનારા આરોપીઓને સજા અપાવી શકશે?

  • તપાસ અધિકારી વાળા ઉપર છે આરોપીઓને સજા અપાવવાનો દારોમદાર

મહેસાણા જિલ્લો ડબ્બા ટ્રેડિંગનું હબ બની ગયું છે. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા સહિતના તમામ આસપાસના તાલુકાના ગ્રામીણ વિસ્તારનું યુવાધન શેરમાર્કેટના નામે છેતરપિંડી કરવાને એક ધંધો ગણવા લાગી છે. તેથી આ વિસ્તારના યુવકોની અનેક ટોળકીઓ વિવિધ જગ્યાઓ ઉપર બેસીને ડબ્બા ટ્રેડિંગનો ગોરખ ધંધો કરી રહ્યા છે. હાલમાં જ ગાંધીનગરના દંતાલી ગામમાં કોલસેન્ટર ઝડપાયું છે. જેમાં વિસનગર અને વડનગરના યુવકો દ્વારા શેરમાર્કેટના નામે છેતરપિંડી કરી રહ્યા હતા.

આ ડબ્બા ટ્રેડિંગના કાળા દૂષણને ડામવા માટે પોલીસે કમરકસી લીધી છે. તેથી ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા વિવિધ ટીમો બનાવીને મેદાનમાં ઉતારી દીધી છે. જેમાંથી એક ટીમની કમાન એલસીબી પીઆઈ દિવાનસિંહ વાળાના હાથમાં છે, તેમણે દંતાલીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કોલસેન્ટરને ઝડપી પાડીને તેમાં કામ કરતાં 29 આરોપીઓને જેલના સળીયા ગણતા કરી દીધા છે.

રેન્જ આઇજીએ પોતાની ટીમના બે અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર જનતા માટે મીડિયામાં પ્રકાશિત કરવા માટે આવ્યા છે. આ ઉપરાંત તેમણે અપીલ કરતાં જણાવ્યું છે કે, શેરબજારના માધ્યમથી શેર લે-વેચમાં વધુ નફો કમાવી આપવાની ટિપ્સ આપવાના બહાને જો કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ડીવાયએસપી ડી.ટી.ગોહિલના મોબાઇલ નંબર – 9978408590 તેમજ પીઆઈ ડીબી વાળાના મોબાઇલ નંબર – 9724328430 ઉપર સીધો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો- નિર્મલા સીતારમણ પર કરોડોની ખંડણીનો આરોપ; ચૂંટણી બોન્ડના નામે 279 કરોડ રૂપિયા લીધાનો આરોપ! ફરિયાદ દાખલ

આમ ડબ્બા ટ્રેડિંગના દૂષણે મોટા પાયે માથું ઉચક્યું હોવાની માહિતી સામે આવતા પીએમ મોદીના વતન વડનગરની પણ બદનામી થઈ રહી હતી. તો દેશભરના લોકોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવી રહ્યા હતા. તો ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો પોતાનું કામ કાઢવા માટે નિર્દોષ લોકોને પણ ફસાવી રહ્યા હતા. તેથી અનેક રીતની ફરિયાદો સામે આવતા પોલીસ બેડાના મોટા અધિકારીઓ મેદાનમાં આવી ગયા છે.

એલસીબી પીઆઈ ડી.બી. વાળા દ્વારા પકડેલા 29 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પાંચ મુખ્ય સુત્રધાર પણ પોલીસના પક્કડમાં આવી ગયા છે. આ રેડ દરમિયાન ખુલાસો થયો છે કે, આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં જાહેર જનતા સાથે 27 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. પરંતુ જણાવી દઇએ કે, ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર કરનારાઓ પોતાનું લોકેશન સતત બદલતા રહે છે. તેથી આ કેસમાં દિનેસસિંહ વાળા યોગ્ય દિશામાં તપાસ કરે તો અનેક રહસ્યો સામે આવી શકે છે. તે ઉપરાંત આ ટોળકીના સંપર્કમાં રહેલા અન્ય ડબ્બા ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલા લોકોના નામોના પણ ખુલાસા થઈ શકે છે.

આ કેસમાં ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા કડક પગલા ભરવામાં આવે તો ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર ઉપર અંકૂશ લાવી શકાશે. તો મુખ્ય સૂત્રધાર તરીકે નરેશજી કનુજી ઠાકોર (રહે, સબલપુર, વડનગર), મૌલિકસિંહ માનસિંહ ચાવડા (રહે, નવા ગામ તા. તલોદ) પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ (રહે. વડનગર), મિત પ્રકાશભાઇ રાવળ (રહે. વડનગર) તેમજ નરેશજી કાન્તિજી ઠાકોર (રહે. વિસનગર શહેર, ફતેહ દરવાજા પાસે)ને રિમાન્ડ ઉપર લઈને કડક રીતે પૂછપરછ કરવામાં આવે તો અનેક ખુલાસા થઈ શકે છે.

દંતાલી ગામે કોલસેન્ટર શરૂ કર્યું તે પહેલા ક્યાં વિસ્તારમાં બેસીને તેમની ટીમ કામ કરી રહી હતી, તે અંગેનો પણ ખુલાસો થઈ શકે છે. શેરમાર્કેટના નામે થઈ રહેલી છેતરપિંડીને બંધ કરાવવાની વાતો કરતી પોલીસ આ કેસમાં જરાપણ કાચું કાપસે તો ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા આરોપીઓની હિંમત વધશે અને આગામી સમયમાં વર્તમાન સમય કરતાં પણ વધારે ટોળકીઓ સક્રિય થશે તેમાં કોઈ જ નવાઈ નથી.

આ પણ વાંચો- ગાંધીનગરમાં ડબ્બા ટ્રેડિંગ: શેરમાર્કેટના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું; 29 આરોપીઓની અટકાયત

વિસનગરથી શરૂ થઇ આરોપીને બચાવવાની કોશિશ

વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગરના દંતાલીથી પકડાયેલા તમામ આરોપીઓને બચાવવા માટે વિસનગરથી તમામ રીતના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. આ કેસમાં અધિકારીઓ સાથે લોબિંગ કરવામાં આવવા લાગ્યું છે. આ માટે ઠાકોર સમાજના એક મોભીદાર વ્યક્તિ મેદાનમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

27 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં કરોડો રૂપિયા ઉડાવીને આરોપીઓને બચાવી લેવાનો કારસા ઘડાઈ ગયાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. તેથી એલસીબી પીઆઈ ડિ.બી. વાળાને વધારે સચેત અને સક્રિય થઈ જવું પડશે. કેમ કે, આ ગંભીર પ્રકારના ગુનામાં રંગેહાથે પકડાયેલા આરોપીઓને માત્ર શનિ-રવિ પછી તરત જ સોમવારે જામીન મળી જાય તો પણ પોલીસની કાર્યવાહી ઉપર પ્રશ્ન ઉઠી શકે છે. તો બીજી તરફ આરોપીઓની હિંમતમાં વધારો થઈ શકે છે. જે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ માટે સકારાત્મક મેસેજ હશે.

તેથી ગાંધીનગર પોલીસ ડબ્બા ટ્રેડિંગ કરનારાઓને તેમના અંજામ સુધી પહોંચાડીને એટલે કે તેમને નવા કાયદા-કાનૂન પ્રમાણે સજા અપાવવામાં સફળ થાય છે કે નહીં તેના ઉપર બધાની નજર ટકેલી છે. તો બીજી તરફ આરોપીઓને બચાવવા માટે પણ અનેક રાજકીય વગ ધરાવતા લોકો મેદાનમાં આવી ગયા છે.

ગ્રામીણ લોકોને કરવામાં આવી રહ્યા છે ડમી બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ટાર્ગેટ

મળી રહેલી માહિતી અનુસાર, આ ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા આરોપીઓ પોતાની ફસામણી ન થાય તે માટે એક વ્યક્તિને ડમી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ સોંપેલું છે. આ વ્યક્તિ વડનગરનો રહેવાસી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ડમી બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ગામડાઓના વ્યક્તિઓને નોકરી સહિતની અલગ-અલગ લાલચ આપીને તેમના પાસેથી ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે.

આ ડોક્યુમેન્ટ ઉપર યસ બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. હવે તે તપાસનો વિષય છે કે, આ ઠગ ટોળકી કેમ યસ બેંકમાં જ ડમી એકાઉન્ટ ખોલાવી રહી છે. વધુમાં મળી રહેલી માહિતી અનુસાર, આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં જતા નથી પરંતુ બેંકના કર્મચારીઓને બહાર બોલાવવામાં આવે છે. વડનગર યસ બેંકની બ્રાન્ચથી નજીક આવેલા એક ગાર્ડનમાં બેસીને અનેક બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આમ ડમી એકાઉન્ટ ખોલાવવાનો એક અલગ કેસ પણ સામે આવી રહ્યો છે, જેમાં ઠગ ટોળકીના શિકાર થયેલા અનેક નિર્દોષ યુવાઓનું જીવનધૂળ ધાણી થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિસનગર-વડનગર યસ બેંકમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ડમી એકાઉન્ટ મળી શકે છે. આ એકાઉન્ટના મૂળ માલિકને તો ખ્યાલ પણ નહીં હોય કે તેમનું ખોલાવવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ગેરકાયેદસર ધંધો કરવામાં આવી રહ્યો છે. કેમ કે, આ ડમી બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર અલગ આપી દેવામાં આવે છે. આમ દેશની જનતા સાથે ડબ્બા ટ્રેડિંગ કરીને છેતરપિંડી કરવા માટે અન્ય પણ કેટલાક ગેરકાયદેસર કામો થઇ રહ્યા છે.

આમ ગામડાના નિર્દોષ વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમના સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તો બીજી તરફ બેંક એકાઉન્ટ ખોલાવનારાઓને થોડા સમય પછી બ્લેકમેલ કરીને તેમના પાસેથી પૈસા પણ પડાવવાના ખેલ ખેલવામાં આવી રહ્યા છે. આમ અનેક રીતના ગેરકાયેદસર ધંધા કરીને જનતાની મુશ્કેલીઓ વધારી દેવામાં આવી છે. તેથી લાલચમાં આવીને બેંક એકાઉન્ટ ખોલાવનારાઓને પણ હિંમત કરીને પોલીસ સામે હાજર થઈને પોતાના બેંક એકાઉન્ટ વિશે માહિતી આપીને ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચલાવનારાઓની ચૂંગલમાંથી બહાર આવી જવું જોઈએ. તો બીજી તરફ પોલીસે પણ આવા પીડિતોને પડખે ઉભા રહે તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે.