હારીજ-ચાણસ્મા હાઈવે પર પેસેન્જર ભરેલી ઈકો કાર ટેન્કરમાં ઘૂસી ગઈ, એક જ પરિવારના ત્રણ સભ્યો કાળનો કોળિયો બન્યા

Harij chanasma car accident

Harij Chanasma Car Accident : આજે જાણે અકસ્માતોનો દિવસ હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. પાટણ જિલ્લામાંથી એક અકસ્માતની કમકમાટી ભરી ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં હારીજ – ચાણસ્મા હાઈવે ઉપર ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે ત્રણ બાળકો સહિત આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પરિવારે ત્રણ સભ્યો ગુમાવ્યા

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મંગળવારે ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર અને આશાપુરા માતાના દર્શન કરીને પરત ફરી રહેલી ઇક્કો કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ઈકો કારમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, અકસ્માતમાં ઈકો કારમાં સરવાર બે પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ બાળકો સહિત 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ બાળકોની હાલત નાજુક

અકસ્માત અંગે વધુ મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત ચાણસ્મા હારીજ હાઈવે માગૅ પર આવેલ ખોડલ હોટલ નજીક સર્જાયોહતો. જેના પગલે સ્થાનિક લોકો ઘટન સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે ઘટના સ્થળે મૃત્યુ પામેલા ઈસમોની લાશને હારીજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાઓમા ત્રણ મહિલાઓ ત્રણ બાળકો અને બે પુરુષો હોવાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્ત પૈકી ત્રણ બાળકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે.