Kutch Accident : ગુજરાતમાં દિવસે ને દિવસે ક્યાંકના ક્યાંક અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે કચ્છના સામખિયાળી પાસે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. અહીં ફૂલ સ્પીડમાં જતાં ટ્રકે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારીને હવામાં ફંગોળી હતી. જેના પગલે ટ્રોલીમાં બેઠેલા યાત્રિકો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા. અકસ્માતના પગલે કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં બેના ઘટના સ્થળે તો એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે મંગળવારે હારીજ-ચાણસ્મા હાઇવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઈકો કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની સાથે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આમ બંને ઘટનામાં કુલ 6 લોકોના મોત અને 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સામખિયાળી મોરબી હાઇવે પર ટ્રેકે ટ્રેક્ટરની ટ્રોલીને મારી ટક્કર
કચ્છમાં બનેલા અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પરના નવા અને જૂના કટારિયા પાટીયા વચ્ચેના માર્ગે આજે બુધવાર બપોરે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. માતાના મઢના યાત્રિકોના ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું.
ત્રણ લોકોને ગંભીર ઇજાઓ
બનાવમાં હજુ પણ ત્રણ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બે થી ત્રણ જણને હળવીથી ભારે ઇજા પહોંચતા તેમની સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હતભાગી લોકો માતાના મઢેથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેચી તા. હળવદ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતના પગલે સામખિયાળી અને લાકડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સૂરજબારી ટોલની હાઇવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકને બાજુના માર્ગે વાળી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.