ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે ચીને ભારત સાથેના સરહદ કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ રીતે સતત તણાવની અસર સ્વાભાવિક રીતે જ સંબંધ પર પડશે. કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ થિંક-ટેંકમાં એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે ચીન સાથેના ભારતના સંબંધોને લઈને મને લાગે છે કે આ એક લાંબી કહાણી છે, પરંતુ ટૂંકમાં કહુ તો સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે કરારો થયા હતા. પરંતુ ચીને તે કરારોનું ઉલ્લંઘન કર્યું.
જયશંકરે કહ્યું કે જ્યાં સુધી ફ્રન્ટલાઈન તહેનાતી મુદ્દે ધ્યાન નહીં આપવામાં આવે ત્યાં સુધી તણાવની સ્થિતિ યથાવત્ રહેશે. એટલે કે સ્વાભાવિક રીતે અન્ય પ્રકારના સંબંધો પર તેની અસર દેખાશે. એટલા માટે છેલ્લા 4 વર્ષથી અમારા અને ચીનના સંબંધો સારા નથી. ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા.
ભારત કહેતું આવ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. બંને પક્ષોએ મડાગાંઠ ઉકેલવા માટે અત્યાર સુધીમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની 21 રાઉન્ડ બેઠકો યોજી છે. ભારત પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી પીછેહઠ કરવા દબાણ કરી રહ્યું છે. બંને પક્ષોએ ફેબ્રુઆરીમાં ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ યોજ્યો હતો.