ખૂન કા બદલા ખૂન : રાજસ્થાનમાં પિતાની હત્યા, અમદાવાદમાં પુત્રએ 22 વર્ષે બદલો લીધો

અમદાવાદઃ ખૂન કા બદલા ખૂન જેવી કહાનીઓ ફિલ્મોમાં આપણે હંમેશા જોઈ છે. પરંતુ રિયલ લાઈફમાં પણ આવી ઘટનાઓ બને છે. આવી જ એક ફિલ્મોની કહાનીઓને પણ ટક્કર મારે એવી ઘટના અમદાવાદમાં બની છે. રાજસ્થાનમાં પિતાની હત્યા કરનાર આરોપીને પુત્રએ 22 વર્ષે મોતને ઘાટ ઉતાર્યો હોવાની ચકચારી ઘટના બની હતી. પુત્રએ આરોપી ઉપર કાર ફેરવીને હત્યા કરી નાંખી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળી કાર્યવાહી કરી છે.

શું બની હતી ઘટના ?

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ગત 1 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલા બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઇકલ લઇને પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં નખતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે 30 વર્ષીય આરોપીની કરી ધરપકડ

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે મૂળ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના અજાસર ગામનો 30 વર્ષિય આરોપી ગોપાલસિંહ હરિસિંહ ભાટીની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો નખતસિંહને મારી નાંખવાના ઇરાદે પૂરઝડપે ચલાવી સાઇકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે મૃતક નખતસિંહ અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જૂની અદાવતને લઇ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

22 વર્ષ પહેલા જૂની રાજસ્થાનમાં પિતાની કરાઈ હતી હત્યા

વર્ષ 2002માં મૃતક નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીનું તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી. જેની જૂની અદાવત ચાલતી હોવાથી હત્યાના ઇરાદાથી આયોજનપૂર્વક આ અકસ્માત કર્યો હતો. આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને અગાઉની વધુ તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.