જૂનાગઢના કેશોદમાં ચકચારી ઘટનાઃ એક જ પરિવારના ત્રણ સભ્યોએનો સામૂહિક આપઘાત, માતા-પુત્રીનું મોત, પુત્ર સારવાર હેઠળ

જૂનાગઢઃ ગુજરાતમાં છાસવારે સામૂહિક આપઘાતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે જૂનાગઢના કેશોદમાં ચકચારી ઘટના બની હતી. અહીં આવેલા ચર ગામમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણમાંથી માતા-પુત્રીનું મોત થયું હતું. પુત્ર હાલ સારવાર હેઠળ છે. પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ચર ગામે રહેતાં પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીધી

મળતી માહિતી મુજબ, કેશોદના ચર ગામે રહેતાં પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીધી હતી. એક પરિવારના 3 સભ્યો માતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી લેતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ઝેરી દવાથી અસરગ્રસ્ત માતા-દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પરિવારે કેમ દવા પીછે રહસ્ય અકબંધ

ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને પરિવારના ત્રણેય સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી માતા-દીકરીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસમાં જોતરાઇ છે. જોકે, હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આર્થિક તંગી કે અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આત્મહત્યા પહેલાં કોઇ સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, જે પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી છે, તે જ પરિવારમાં થોડા મહિના પહેલા અન્ય પુત્રએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. સાથે જ મૃતક માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.