ઉંઝા પાસે મક્તુપુર સ્થિત નકલી જીરૂં બનાવવાનો કાળો કારોબાર; ફેક્ટરી માલિકની ફૂડ વિભાગથી લઈને પોલીસ સુધી ગોઠવણ હોવાની ફાકા ફોજદારી

મહેસાણા: મક્તુપુરમાં નકલી જીરું બનાવવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. વરિયાળીનું ભૂસુ, ક્રીમ પાવડર અને ગોળની રસી (એક રીતનું પેરીસેબલ કેમિકલ) મિક્ષ કરી નકલી જીરું બનાવવામાં આવી રહ્યું છે. આ નકલી જીરૂં બનાવવાની ફેક્ટરીના માલિકનું નામ મહેન્દ્ર પટેલ ઉર્ફે મંડાલાલ છે. ગુજરાત ટાઇમ્સ24ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, એક ખેતરમાં ફેક્ટરી બનાવીને મોટા પ્રમાણમાં નકલી જીરૂં બનાવવામાં આવી રહ્યું છે. આ જીરૂં બનાવવામાં કેમિકલ સહિત પથ્થરના ભૂકો અને સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોના સ્વાસ્થ્યને ગંભીર નકારાત્મક અસર પહોંચાડે છે.

મક્તુપુરના એક ખેતરમાં નકલી જીરૂ બનાવવાની ફેક્ટરીમાં બેરલમાં મોટા પ્રમાણમાં કેમિકલ ભરીને રાખવામાં આવ્યા હતા. આ તમામ બેરલો ઉપર તાડપત્રી ઢાંકવામાં આવી હતી. તો બીજી તરફ એક ઓરડીમાં નકલી જીરૂં બનાવવા માટેની તમામ રીતના સાધન સામગ્રીનું સેટઅપ કરી રાખ્યું હતું. આ નકલી જીરૂં બનાવવા માટે ઉત્તર પ્રદેશના ચાર-પાંચ વ્યક્તિઓને નોકરી ઉપર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે આ ફેક્ટરીના માલિક મહેન્દ્ર પટેલને તેમની ફેક્ટરીનું નામ, લાયસન્સ અને જીએસટી વિશે પૂછવામાં આવતા તેમના પાસે કંઇજ નહોવાનું જાણવા મળ્યું હતું. આમ મહેન્દ્ર પટેલ દ્વારા ખોટી રીતે ખેતરની જગ્યામાં ફેક્ટરી ઉભી કરીને નકલી જીરૂં બનાવવાની કામગીરી કરતા હોવાનું પર્દાફાશ થયો હતો. જ્યારે GT24ની ટીમ સ્થળ તપાસ કરવા પહોંચી ત્યારે તેમના ખેતરમાંથી તૈયાર કરેલા નકલી જીરાની એક ગાડી (પીકઅપ ડાલું) ભરાવવામાં આવી રહી હતી. આ ગાડીનો નંબર GJ-02-8542 છે.

આ પણ વાંચો-અભિનેતા એજાઝ ખાનની ઓફિસમાંથી 35 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, કસ્ટમ વિભાગના દરોડામાં સ્ટાફ મેમ્બરની ધરપકડ

આ ગાડીમાં નકલી જીરૂં ક્યાં મોકલવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવે તો આખી લાઈન બહાર આવી શકે છે. પરંતુ તપાસ કરનારા અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં હોવાનું જણાઇ આવ્યું છે. GT24ની ટીમ દ્વારા સ્થળ તપાસ દમિયાન મહેસાણા ફૂડ વિભાગના અધિકારીઓને નકલી જીરાની ફેક્ટરી વિશે માહિતી આપવા વારંવાર ફોન કરવા છતાં એકપણ અધિકારીએ ફોન રિસિવ કર્યો નહતો.

તો બીજી તરફ ઉંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ ધડુકને નકલી જીરાની ફેક્ટરી વિશે માહિતી આપતા તેમણે પોતાની ટીમ મોકલવાની વાત તો કરી પરંતુ તેમને પણ એક શરત આગળ ધરીને પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી દીધા હતા. પીઆઈ ધડુક દ્વારા GT24ની ટીમના રિપોર્ટરને જણાવવામાં આવ્યું હતુ કે, તમે પહેલા ફૂડ વિભાગના અધિકારીની ટીમને બોલાવો પછી હું મારી ટીમ મોકલી આપીશ.. પરંતુ બીજી તરફ ફૂડ વિભાગના અધિકારી એવા જીતેન્દ્ર ઠાકોર ઉર્ફે જે.ડી ઠાકોર, વિપુલ કુમાર ચૌધરીને વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યા નહતા.

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર મક્તુપુર ગામમાં સ્થિત ફેક્ટરીમાં ખુલ્લેઆમ નકલી જીરૂં બનાવવામાં આવતું હોવાની માહિતી આપવા છતાં પોલીસ કે ફૂડ વિભાગના અધિકારી કાર્યવાહી કરવા કેમ તૈયાર નથી? આ એક તપાસ માંગી લે તેવો પ્રશ્ન છે. તેથી નકલી જીરાની ફેક્ટરીની માહિતી ગાંધીનગરના ઘરો સુધી પહોંચાડીને કાળા કારોબારને ખુલ્લો પાડવામાં આવશે. રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેના માટે ઇમાનદાર અધિકારીઓ સુધી GT24 નકલી જીરાની ફેક્ટરીની માહિતી પહોંચતી કરશે.

આ  પણ વાંચો- ગુજરાતના આરોગ્ય મંત્રીએ દિવાળી પહેલા આ કર્મચારીઓને આપી વેતન વધારાની ભેટ, અહીં જાણો કોને મળશે લાભ

નકલી જીરાની ફેક્ટરી ચલાવનાર મહેન્દ્ર પટેલે GT24ના પત્રકારો સામે ફાંકાફોજદારી કરતાં કહ્યું હતુ કે, અમારી પોલીસથી લઈને ફૂડ વિભાગ સુધી ખુબ જ સારી એવી ગોઠવણ છે. આમ જોવા જઇએ તો મહેન્દ્ર પટેલની વાત સાચી હોય તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે નકલી જીરૂં બનાવતી ફેક્ટરી અંગે માહિતી આપવા ફોન કરતાં ફૂડ વિભાગના અધિકારીઓએ તો ફોન રિસિવ કરવાનું જ ટાળ્યું હતું. તો બીજી તરફ ઉંઝા પોલીસની પણ કોઈ જવાબદારી બનતી જ નહોય તેવી રીતે ગંભીર બાબતને પણ હળવાશથી લઈ લીધી હતી.

ચોંકાવનારી બાબત તે છે કે, ગંભીર બાબતને લઈને માહિતી આપવા માટે ફોન કર્યો હોવા છતાં પોલીસના પેટનું પાણી હલ્યું નહતું. પોલીસે તો ફોન ઉપાડીને જવાબ પણ આપ્યો પરંતુ ફૂડ વિભાગે તો ફોન જ ઉપાડ્યો નહીં… તે આશંકા ઉપજાવે તેવી બાબત છે. તેથી મહેસાણાના ફૂડ વિભાગના અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે.

એક તરફ કેમિકલથી નકલી જીરૂં બનાવીને રાજ્ય અને દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સરકારી અધિકારીઓ પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અંધરે નગરી ગંડૂરાજા જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે.

જણાવી દઇએ કે, આ ફેક્ટરીમાં બનાવવામાં આવતું જીરૂં માનવ શરીર માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. નકલી જીરૂં બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ અને તેની પ્રોસેસને જોતા કેન્સલ સહિત અનેક રોગોને આમંત્રણ આપી શકે છે. સ્વભાવિક છે કે, ગંદકીથી ઉભરાતી જગ્યા ઉપર બનાવવામાં આવી રહેલા નકલી જીરૂં માનવ શરીર માટે ખતરનાક બની જ શકે છે.

તો બીજી તરફ કોઈ ફેક્ટરી બનાવવા માટે નામકરણ, લાયસન્સ, જીએસટી, એનએ કરેલી જમીન અને જીઈબી પાસેથી અલગથી મીટરની માંગણી કરવી પડે છે. પરંતુ અહીં તો બધી જ બાબતોમાં પોલમપોલ જોવા મળ્યું હતું. મહેન્દ્ર પટેલ દ્વારા નકલી જીરૂં બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે તો ચેડા કરવામાં આવી જ રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક સરકારી નીતિ-નિયમો અને કાયદાઓનો પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. જીઈબીના નિયમોની પણ એસી કી તૈસી કરવામાં આવી છે.

આ પણ વાંચો- બમ્પર જીત પણ 5 જિલ્લામાં ખુલ્યું નહીં ભાજપનું ખાતું, પણ આ કેન્દ્રીય મંત્રીએ સીટોથી ભરી દીધી ઝોલી, બન્યા જીતનો હીરો, જાણો કેવી રીતે

ભારતમાં બનેલી દરેક ફેક્ટરીએ ફેક્ટરી એક્ટ 1948 હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ભારતમાં ફેક્ટરી સ્થાપવાનું પ્રથમ પગલું તેની નોંધણી કરવાનું છે. નોંધણી પછી તેને ફેક્ટરી લાઇસન્સ આપવામાં આવે છે. એકવાર સત્તાવાળાઓને અરજદાર પાસેથી સાચા દસ્તાવેજો મળી જાય અને વેરિફિકેશન દરમિયાન કોઈ સમસ્યા ન આવે, તો અરજદારને સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવવા માટે ફાઇલમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સંપૂર્ણ મંજુરી આપવામાં આવે તે પછી એક નોંધણી પ્રમાણપત્ર, એક કવરિંગ લેટર, સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય રીતે સહી કરેલું લાઇસન્સ પોસ્ટ દ્વારા અરજદારને મોકલવામાં આવે છે.

ખેર, ઉપરોક્ત ફકરામાં દર્શાવેલી તમામ પ્રક્રિયા એક ઓરિજનલ ફેક્ટરીની સ્થાપના કરવા માટે છે. પરંતુ મક્તુપુરમાં તો નકલી જીરાની જેમ ફેક્ટરી પણ નકલી છે. આમ મહેન્દ્ર પટેલને કાયદાનો કોઈ જ ડર નથી. કેમ કે તેમણે કાયદાના રક્ષકો જ છાવરી રહ્યા હોય તેવું કથિત રીતે દેખાઈ રહ્યું છે.