મહેસાણા: કડી GIDCમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો; 1 કરોડથી વધારે મુદ્દામાલ જપ્ત

મહેસાણા: કડી GIDCમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મહેસાણા ફૂડ અધિકારી વી.જે. ચૌધરી અને તેમની ટીમે રેડ કરીને ઝડપી પાડ્યું છે. કડી જીઆઈડીસી પાસે આવેલા એક ભાડાના મકાનામાં ડૂપ્લીકેટ ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. આ અંગે વી.જે. ચૌધરીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે તેમને રેડ કરીને મસમોટું નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળી રહેલી વધુ માહિતી અનુસાર, પામ ઓઈલ અને ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું. આ રેડમાં અંદાજે એક કરોડ રૂપિયાથી વધારેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન મહેસાણા એલસીબી ટીમ તેમજ એફએસએલ ટીમ પણ સ્થળ ઉપર હાજર રહી હતી.

તે ઉપરાંત નકલી ઘી બનાવનારાઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, દિવાળી નજીક આવતા નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. સ્વાસ્થ્ય માટે ખતરનાક નકલી ઘી માર્કેટમાં જાય તે પહેલા જ ફૂડ વિભાગના વી.જે. ચૌધરીની ટીમે પ્રશંસનિય કામગીરી કરતા તેને ઝડપી પાડ્યું હતુ.

આ પણ વાંચો-મક્તુપુર સ્થિત નકલી જીરૂં બનાવતી ફેક્ટરી બાબતે પોલીસ અને મહેસાણા ફૂડ વિભાગ કેમ મૌન?

જોકે, ત્રણેક દિવસ પહેલા વી.જે. ચૌધરી અને તેમની ટીમને ઉંઝા પાસે આવેલા મક્તુપુરમાં નકલી જીરૂં બનાવતી ફેક્ટરી અંગે વિગતવાર માહિતી આપી હોવા છતાં તેમણે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી હોય તેવું જાણવા મળી રહ્યું નથી. એક તરફ નકલી ઘીના જથ્થા ઉપર વી.જે. ચૌધરી અને તેમની ટીમ કડક કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ નકલી જીરૂં બનાવનારાઓને કેમ છાવરી રહ્યા છે?

મહેસાણા ફૂડ વિભાગના અધિકારીઓનું બેવડું વર્તન તેમની કામગીરી ઉપર પ્રશ્ન ઉભા કરે તે સ્વભાવિક છે. મહેસાણાના મક્તુપુરમાં મહેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ જગજાહેર રીતે નકલી જીરૂં બનાવી રહ્યો હોવા છતાં ફૂડ વિભાગની ટીમ નજરઅંદાજ કરી રહી છે. જોકે, આશા રાખવામાં આવી રહી છે કે, આગામી દિવસોમાં વી.જે.ચૌધરી અને તેમની ટીમ નકલી જીરૂં બનાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરીને જનતાને ખતરનાક ઝેર ખાવાથી રોકશે.

આ પણ વાંચો- બાબા સિદ્દિકીની હત્યા; 15 દિવસ પહેલા મળી ધમકી, Y કેટેગરીની સુરક્ષા ફેલ