ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળે EDનું સુપર ઓપરેશન, કરોડોની ટેક્સ ચોરી મામલે દરોડા

નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાના મામલે હવે ઇડીએ એન્ટ્રી મારી છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ઇડી સુપર ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનાર સહિત 7 શહેરોના 23 સ્થળોએ ઇડીની ટીમ ત્રાટકી છે. 200 થી વધુ ડુપ્લીકેટ કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે. આ કેસમાં એક પત્રકાર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શું છે ઘટના?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીએસટીની ફરિયાદના આધારે રાજ્યમાં વિવિધ 14 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બાન્ચને રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં 200 જેટલી ડુપ્લીકેટ કંપનીઓ બનાવીને કરોડોની ટેક્સ ચોરી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક પત્રકાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે.

ED જપ્ત કરેલી રકમનું શું કરે છે

કાયદાકીય રીતે ED પાસે નાણાં જપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ તે વસૂલ કરાયેલી રોકડ પોતાની પાસે રાખી શકતું નથી. પ્રોટોકોલ પ્રમાણે, જ્યારે પણ એજન્સી રોકડ જપ્ત કરે છે, ત્યારે આરોપીને તે ક્યાથી આવ્યા તેના વિશે પૂછવામાં આવે છે. જો આરોપી તેનો સ્ત્રોત જાહેર નથી કરતો અથવા ED તેના જવાબોથી સંતુષ્ટ ન હોય તો તેને ‘બિનહિસાબી રોકડ’ અથવા ‘અયોગ્ય રીતે મેળવેલ નાણાં’ ગણવામાં આવે છે.

SBI અધિકારીઓની હાજરીમાં જપ્તી મેમો તૈયાર કરાય છે

આ બિનહિસાબી રોકડ PMLA હેઠળ રોકડ જપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી ED નોટ ગણવા માટે SBIની ટીમને બોલાવે છે. મશીન દ્વારા નોટોની ગણતરી કરવામાં આવે છે. પછી EDની ટીમ દ્વારા SBI અધિકારીઓની હાજરીમાં જપ્તી મેમો તૈયાર કરવામાં આવે છે. જેમા કુલ કેટલી રોકડ જપ્ત કરવામાં આવી? કયા ચલણમાં કેટલી નોટો છે? આ બધુ જ સીઝર મેમોમાં નોંધ કરવામાં આવે છે. પછી તેને સાક્ષીઓની હાજરીમાં બોક્સમાં સીલ કરવામાં આવે છે.

સીલ કર્યા પછી જપ્ત કરાયેલી રોકડ SBI શાખામાં જમા કરવામાં આવે છે. આ તમામ રકમ EDના પર્સનલ ડિપોઝિટ (PD) ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યાર બાદ આ રોકડ કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા થાય છે.

એ પછી આ રુપિયાનું શું થાય છે?

જપ્ત કરાયેલી રકમનું ન તો ED ઉપયોગ કરી શકે છે, ન તો બેંકો કે ન તો સરકાર આ રોકડનો ઉપયોગ કરી શકે છે. જપ્તી પછી ED એટેચમેન્ટ ઓર્ડર તૈયાર કરવામાં આવે છે, અને સંબંધિત અધિકારીએ છ મહિનામાં જપ્તીની પુષ્ટિ કરવાની હોય છે. જપ્તીની પુષ્ટિ થઈ ગયા પછી અને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રકમ બેંકમાં જમા રહે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ આ રકમનો ઉપયોગ કરી શકતું નથી. પરંતુ જો આરોપી દોષિત ઠરે તો તમામ પૈસા કેન્દ્ર સરકારની મિલકત બની જાય છે. અને જો આરોપી નિર્દોષ છૂટે તો તેને તમામ પૈસા પરત કરવામાં આવે છે.