મહેસાણાના ઊંઝામાંથી ફરી એકવાર નકલી જીરૂંના કારોબારનો પર્દાફાશ થયો છે. ઊંઝાથી દાસજ રોડ ઉપર આવેલા ગંગાપુરા ગામ નજીકથી નકલી જીરૂં બનાવવાની ફેક્ટરી ઝડપાઇ છે. પાપ્ત માહિતી મુજબ ભાર્ગવ પટેલ નામનો વ્યક્તિ મોટા પાયે નકલી જીરૂં બનાવીને માર્કેટમાં વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો. આ અંગે અગાઉ ગુજરાત ટાઉમ્સ24 દ્વારા અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. જોકે, તે વખતે ગુજરાત ટાઇમ્સે મહેન્દ્ર પટેલ દ્વારા બનાવવામાં આવતા નકલી જીરાને લઈને ચોંકાવનારી માહિતી સામે ધરી હતી. તે પછી એલસીબી પોલીસે ગુપ્ત રીતે તપાસ હાથ ધરતા ભાર્ગવ પટેલની માહિતી પણ તેમણે મળી હતી.
ગુજરાત ટાઇમ્સ24એ પોતાના અહેવાલમાં મહેન્દ્ર પટેલ પોતાના ખેતરમાં જ નકલી જીરૂં બનાવતો હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જો કે, પોલીસ અને ફૂડ વિભાગે મહેન્દ્ર પટેલ ઉપર રહેમનજર રાખીને તેમના સામે કાર્યવાહી કરી નહતી. ઉલ્લેખનિય છે કે, ભાર્ગવ પટેલ જેટલા મોટા પાયે નકલી જીરૂં બનાવવાનું અને સૂકી વરિયાળી ઉપર કલર કરવાનું કામ કરી રહ્યો હતો, તેના કરતાં નાના પાયે મહેન્દ્ર પટેલ કામ કરે છે. પરંતુ ગેરકાયગેસર કામ નાના પાયે કરતા હોવ કે મોટા પાયે ગુન્હો તો એક સરખો જ લાગે છે. જો કે, તે છતાં મહેન્દ્ર પટેલે પોલીસ અને ફૂડ વિભાગ સુધી પોતાના હાથ પહોંચી રહ્યાં હોવાની બડાશ મારી હતી.
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી ચોંકાવનારી માહિતી અનુસાર, મહેન્દ્ર પટેલ અન્ય વ્યક્તિઓ માટે કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો પડદા પાછળ રહેલા મોટા માથાઓના નામ સામે આવી શકે છે. કેમ કે મહેન્દ્ર પટેલ તો માત્ર જોબવર્ક કરતો હોવાનું સામે આવી રહ્યું છે. ઊંઝામાં અનેક ફેક્ટરીઓમાં નકલી જીરૂં અને સૂકી વરિયાળી ઉપર કલર ચડાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ભાર્ગવ પટેલ જેવા તો અનેક વેપારીઓ ઊંઝાના ફેમસ જીરાના નામે દેશભરમાં ઝેર વહેંચી રહ્યા છે. તે અંગે પણ આગામી સમયમાં ગુજરાત ટાઇમ્સ24 દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.
જણાવી દઇએ કે, ભાર્ગવ પટેલની ફેક્ટરીમાંથી 3500 પ્લાસ્ટિક બેગમાંથી નકલી જીરું પકડાયું છે. વરિયાળીના ભૂસામાંથી ગોળની રસી અને પથ્થરનો પાવડર ભેળવી નકલી જીરું બનાવાતા હતા. આ સમગ્ર મામલાને લઈ મહેસાણા એલસીબીએ દરોડા પાડતા 81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ નકલી જરૂં રાજસ્થાન સહિત અન્ય રાજ્યમા સપ્લાય કરવામાં આવતું હોવાની પણ વિગતો સામે આવી છે.
પોલીસે 81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની બજારોમાં મોટા પ્રમાણમાં નકલી જીરૂંનું વેચાણ કરાતું હોવાનું પણ ખુલાસો થયો છે. જે નકલી જીરાને હાઈવેની હોટલ અને ધાબા પર મોટા પ્રમાણમાં વેચાણ કરાતું હોવાની પણ વિગતો ધ્યાને આવી છે. અસલી જીરાની તુલનામાં નકલી જીરુ 100 રૂપિયા નીચા ભાવે વેચાણ થતું હતું