ગુજરાતમાં હૃદયરોગ સાથે કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં અંદાજે 54616 સ્ત્રીઓના સ્તન કેન્સરનું નિદાન થયું છે અને 20 હજારથી વધુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વઘુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત નવમાં સ્થાને છે. ઓક્ટોબરમાં ‘બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિનો’ ઉજવાઇ રહ્યો છે, ત્યારે ત્યારે બ્રેસ્ટ કેન્સરના વધતા કેસ ચિંતા સમાન છે.
વિશ્વભરમાં સ્તન કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સરના 22,96,840 કેસો નોંધાયા હતા. ભારતની વાત કરવામાં આવે તો 2,16,108 અને ગુજરાતમાં 11,209 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુના પ્રમાણમાં છેલ્લા 10 વર્ષમાં 30 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014માં ગુજરાતમાં 3355ના જ્યારે વર્ષ 2023માં 4280ના મૃત્યુ થયેલા હતા. આમ, 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 25 ટકાથી વઘુનો વધારો થયેલો છે.
વર્ષ 2014થી વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી 38,064ના મૃત્યુ થયા છે.
વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વઘુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્વિમ બંગાળ 6472 સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાં વર્ષ 2019માં 74481, 2020માં 76414, 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429ના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. આમ, પાંચ વર્ષમાં દેશમાંથી જ કુલ 3.92 લાખથી વઘુના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ નોંધાયા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ)ના ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ‘સ્તન કેન્સર સ્ત્રીઓમાં કેન્સર સંબધિત મૃત્યુનું મુખ્ય કારણ છે. ઓજ પણ ભારતમાં મોટાભાગના સ્તન કેન્સરના કેસ અંતિમ તબક્કામાં જોવા મળે છે. જેના કારણે સ્તન કેન્સરને લીધે થતાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો સ્તન કેન્સરના દર્દીઓમાં જીવનદર ઘણો સુધરી શકે છે.
છેલ્લા દાયકામાં લોકોમાં કેન્સર અંગેની જાગૃતિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે દર્દીઓ કેન્સર નિષ્ણાંત સંસ્થામાં સારવાર લેવા જઈ રહ્યા છે તે આપણા બધા માટે ખૂબજ સારી બાબત છે. રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરની સારવારના કરાવવા માટે અમે કેન્દ્રોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ.’
બ્રેસ્ટ કેન્સર માટે લોક દરબારનું આયોજન
અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર હોસ્પિટલ ખાતે આવતીકાલ-19 ઓક્ટોબરના લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા ,મૂંઝવણો અને તેમના પ્રશ્નોના જવાબ નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવશે.
બ્રેસ્ટ કેન્સરના ઈલાજ માટે સ્પેશિયલ ઓપીડી શરૂ કરાઇ
ગુજરાતમાં કેન્સરના નિદાન માટે રાજ્ય સરકાર તથા ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે સંજીવની રથ સ્ક્રીનિંગ વાન શરૂ કરવામાં આવી છે. આ રથ સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્ય કેન્સરના નિદાન માટે વિવિધ સ્થળોએ જાય છે.સરકાર દ્વારા બ્રેસ્ટ કેન્સરના ઈલાજ માટે પીડિતો માટે સિવિલની કેન્સર હોસ્પિટલમાં સ્પેશિયલ ઓપીડી ચાલુ કરવામાં આવી છે. આ ઓપીડીમાં દરરોજના 60-70 લાભાર્થીઓ રજીસ્ટર થાય છે, જેમાં કેન્સર સ્ક્રીનિંગનો દર્દીઓને નિઃ શુલ્ક લાભ આપવામાં આવે છે.
બ્રેસ્ટ કેન્સરના કેસ વધવાના કારણો…
* સ્તન કેન્સર થવાનું જોખમ ઉંમર સાથે વધે છે.
*લાંબા ગાળા માટે એસ્ટ્રોજન-પ્રોજેસ્ટોરોન જેવા હોર્મોન્સનો ઉપયોગ.
* મોટી ઉંમરમાં લગ્ન થવા, મોટી ઉંમરમાં બાળકને જન્મ આપવો.
* પોતાના બાળકને સ્તનપાન ન કરાવવું.
* દારૂ, ઘુમ્રપાન, મેદસ્વીપણું.
* કેટલાક સ્તન કેન્સર વારસાગત જનીનને કારણે પણ થઇ શકે છે.
* વારસાગત સ્તન કેન્સર 5-10 ટકા કેસમાં જોવા મળે છે, જે લોકોમાં જિનેટિક્સ સ્ક્રીનિંગ કરવાનું મહત્ત્વ દર્શાવે છે.
બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાના પગલાં
* મહિલાઓએ માસિક ચક્રના પાંચમાં દિવસ પછી દર મહિને સ્તનની જાત તપાસ કરવી જોઇએ.
* જરૂર પડે ત્યારે નજીકના તબીબ પાસે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવવું જોઇએ.
* 40 વર્ષ અને તેથી વઘુની ઉંમરે સ્ત્રીઓએ દર વર્ષે સ્તનનો એક્સ રે (મેમોગ્રાફી) કરાવવો જોઇએ.