અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે કામ કરી રહેલા એક જ ઘરના પાંચ સભ્યો ઉપર વીજળી પડતા તમામના મોત થયાં છે. લાઠી તાલુકાના આંબરડી ગામે વાડી વિસ્તારમાં મગફળીના ખેતરમાં કામ કરી રહેલા બાળકથી લઇને મોટી ઉંમરના 5 લોકો ઉપર વીજળી ત્રાટકી હતી. જેથી ઘરના તમામ સભ્યોના મોત નિપજ્યા હોવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વીજળી ત્રાક્યા પછી તમામને સારવાર અર્થે 108 મારફતે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. સિંહાએ પરિવારના તમામ સભ્યોને મૃત જાહેર કર્યા છે. લાઠી સિવિલ હોસ્પિટલના અધિકારીએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ અમરેલી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મળતી વિગત મુજબ લાઠીના આંબરડી ગામે વીજળી પડતા મગફળીના ખેતરે ખેતમજૂરી કરી રહેલા દેવીપૂજક પરિવારના 4 બાળકો અને 1 યુવતી પર વીજળી પડતા મોત થયું છે. જેમને તાત્કાલિક 108 મારફતે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો પૈકી 35 વર્ષીય ભારતીબેન, 18 વર્ષીય શિલ્પાબેન સાથળિયા, 18 વર્ષીય રુપાલીબેન, 5 વર્ષીય રિદ્ધિબેન, અને 5 વર્ષીય ભાઇ રાધેનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છે.