આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતેના ‘સાંસદ અટલ જનસેવા કેન્દ્ર’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં સ્વચ્છતાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી અધિકારીઓ સહિતનાને ટોણો મારતાં જણાવ્યું હતું કે વડોદરા સંસ્કારીનગરી છે, તો આપણે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર લાવવી જ પડે.
આજે PM સાહેબ આવે છે, CM સાહેબ આવે છે, ત્યારે જ સફાઈ થાય એવું નથી જોઈતું. બીજી તરફ હાજર પદાધિકારીઓ પણ હસતાં-હસતાં મુખ્યમંત્રીની ટકોરને જાણે ગળી ગયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુખ્યમંત્રીએ વડોદરાનો વિકાસ થયો નથી એવી ગંભીર ટકોર કરી હતી.
ભૂપેન્દ્ર પટેલ અગાઉ રાજ્યનાં અન્ય શહેરોની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ હોવાની જાહેરમાં વાત કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આજે જન સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે વડોદરાના માર્ગો અને સફાઇ જોઇને જણાવ્યું હતું કે CM અને PM આવવાના છે, તેથી વડોદરામાં સફાઇ થઇ લાગે છે. એવો પાલિકાના સત્તાધીશોને હસતાં- હસતાં જોરદાર ચાબખા માર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા સંસ્કારી નગરી છે. સંસ્કાર હોવા જોઇએ. સફાઇને સ્વભાવ બનાવવો જોઇએ. મુખ્યમંત્રીએ મંચ પરથી પાલિકાના વહીવટકર્તાઓને જોરદાર તમાચો મારતાં ઉપસ્થિત પદાધિકારીઓની હાલત કાપે તો લોહી ન નીકળે એવી થઇ હતી. જોકે પદાધિકારીઓ લાજવાને બદલે ખડખડાટ હસતાં-હસતાં તાળીઓ વગાડી મુખ્યમંત્રીની ટકોરને ગળી ગયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો.
તેમણે વડોદરા લોકસભા મતદાર વિસ્તારના નાગરિકોને તમામ સરકારી યોજનાઓના લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવા સિંગલ વિન્ડો જેવી આ સુવિધા શરૂ કરવા માટે સાંસદ હેમાંગ જોશીને અભિનંદન આપ્યા હતા અને મતદાર વિસ્તારના નાગરિકોની યથાસંભવ કાળજી લેવાના તેમના અભિગમને બિરદાવ્યો હતો.
આ જનસેવા કેન્દ્ર સરકાર અને લાભાર્થીઓને જોડતી કડી બની રહેવાની સાથે શહેર અને જિલ્લાના લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ જાણીને, સરકારના જે-તે વિભાગનો સહયોગ લઈને એના ઝડપી અને સંતોષકારક નિરાકરણના પ્રયાસોનું કેન્દ્ર બની રહેશે.