હવે કેશોદથી અમદાવાદ માત્ર 45 મિનિટમાં જ પહોંચાશે; અઠવાડિયામાં 3 દિવસ મળશે ફ્લાઇટ

ગુજરાતના એક શહેરથી બીજા શહેરમાં હવાઇ મુસાફરી કરવા માંગતા લોકો માટે ખુબ સારા સમાચાર છે. જૂનાગઢના કેશોદ અરપોર્ટ પર વધુ એક ફ્લાઇટને મંજૂરી મળી છે..વધુ એક કેશોદ-મુંબઇ અને અમદાવાદ-કેશોદ ફ્લાઇટ શરૂ થશે. 27 ઓક્ટોબરથી કેશોદ મુંબઇની વધારાની ફ્લાઇટ શરૂ કરાશે. 29 ઓક્ટોબરથી અમદાવાદ-કેશોદની ફ્લાઇટ ઉડાન ભરશે. હવે મુસાફરો 45 મિનિટમાં કેશોદથી અમદાવાદ પહોંચી શકશે. અઠવાડિયામાં 3 દિવસ અમદાવાદ-કેશોદ ફ્લાઇટ ઉડાન ભરશે.

29 ઓક્ટોબરથી નવી શરૂ થઈ રહેલી અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10-55 મિનિટે ઉપડશે જે સવારે 11-20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે ત્યારબાદ કેશોદથી બપોરે 4:20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂટ પર ચલાવવામાં આવશે.

કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતી ફ્લાઇટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદ થી મુંબઈ ફ્લાઇટ ચાલશે.આ ફ્લાઈટ રવિવાર, સોમવાર ,બુધવાર અને શુક્રવારે મળશે.